મુંબઇ: બુધવારે ગાંધી જયંતિની રજા બાદ આજે ગુરુવારે ખુલેલા શેરબજારમાં વિનાશક ઘટાડો નોંધાયો હતો. બીએસઇ સેન્સેક્સ ૧૭૬૯.૧૯ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨,૪૯૭.૧૦ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ ૫૪૬.૮૦ પોઈન્ટ ઘટીને ૨૫,૨૫૦.૧૦ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આ ભયંકર ઘટાડા બાદ ભારતીય બજારો તેમના રેકોર્ડ હાઈથી ઘણા નીચે આવી ગયા છે. આ સમયગાળા દરમિયાન બજારમાં રોકાણકારોને લગભગ ૧૧ લાખ કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું. ગુરુવારે શરૂઆતના વેપારમાં યુએસ ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા ઘટીને ૮૩.૯૩ થયો હતો.
ગુરુવારે સેન્સેક્સની ૩૦માંથી ૨૮ કંપનીઓના શેર લાલ નિશાનમાં અને માત્ર એક કંપનીના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. તેવી જ રીતે નિફ્ટીની ૫૦ કંપનીઓમાંથી ૪૮ કંપનીઓના શેર લાલ નિશાનમાં અને માત્ર ૨ કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં બે ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. પશ્ચિમ એશિયામાં તણાવ બાદ રોકાણકારોની સાવચેતીના કારણે બજારમાં આ ઘટાડો આવ્યો છે.
સ્થાનિક શેરબજારને ગુરુવાર ગમ્યું ન હતું. ફ્યુચર ટ્રેડિંગના એક્સપાયરી ડે પર સેન્સેક્સ અને નિફ્ટીમાં બે-બે ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂા. ૫.૬૩ લાખ કરોડ ઘટીને રૂા. ૪૬૯.૨૩ લાખ કરોડ થયું છે.
સેબીએ તાજેતરમાં તેની બોર્ડ મીટિંગમાં ફ્યુચર ટ્રેડિંગના નિયમોમાં ફેરફારને મંજૂરી આપી છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટમાં નિયમો કડક બનાવવાના તાજેતરના ર્નિણયે પણ આજે ઈક્વિટી માર્કેટમાં ઘટાડા માટે ફાળો આપ્યો હતો. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર નવા પગલાં, જેમાં દરેક એક્સચેન્જ પર સાપ્તહિક સમાપ્તિને એક દિવસ સુધી ખસેડવાનો અને કરારના કદમાં વધારો કરવાનો સમાવેશ થાય છે, તે રિટેલર્સને નારાજ કરી શકે છે. તેનાથી વેપારમાં ઘટાડો
થઈ શકે છે.