મુંબઇ
લોકડાઉનમાં શ્રમિકોને મદદ કરીને દેશભરમાંથી પ્રશંસા મેળવનારા એકટર સોનૂ સૂદને આખરે આંધ્રપદેશે યથોચિત સન્માન આપ્યું છે.આંધ્રપદેશની સરતચંદ્ર કોલેજ ઓફ આર્ટ એન્ડ હયૂમિનિટીઝ ડિપાર્ટમેન્ટનું નામ સોનૂ સૂદ રાખવામાં આવ્યું છે. આ વાતથી ભાવુક થયેલા સોનૂએ કહ્યું હતું કે આ મારી જિંદગીની સૌથી ખુશીની અને ગર્વ અપવાનારી ક્ષણ છે. છેલ્લાં 9 મહિનામાં સોનૂ સૂદને દેશભરમાંથી જે પ્રેમ અને સન્માન મળ્યા છે તે વાતને ધ્યાનમાં રાખીને કોલેજના સંચાલકોએ સોનૂ સૂદનું નામ રાખવાનો નિર્ણય કર્યો હતો.
આંધ્રપ્રદેશની કોલેજના સન્માન પછી સોનૂએ કહ્યું હતુ કે મારા માતાજી પ્રોફેસર હતા. તેમણે બાળકોને મફતમાં ભણાવ્યા હતા.માતા હમેંશા કહેતી હતી કે સોનૂ જયારે તું પરિવારના કોઇ એક વ્યકિતની મદદ ભણવા માટે કરે તો આવનારી પેઢીને તેનો ફાયદો મળશે. એ મારી માતાનું સપનું હતુ અને તેમનું સપનું હું જીવી રહ્યો છુ.
સોનૂએ વધુમાં કહ્યું હતુ કે આંધ્રપ્રદેશની સરતચન્દ્ર સંસ્થાન એવી સંસ્થા છે જયાં મોટી સંખ્યામાં આઇએએસ અને આઇપીએસ ઓફીસર તૈયાર કરવામાં આવે છે. ડિપાર્ટમેન્ટને મારું નામ આપવું એ મારા જીવનું સૌથી મોટું સન્માન છે. હુ જાણું છુ કે મારી માતા આ જોઇને અત્યંત ખુશ થયા હશે.સોનૂએ કહ્યું કે મારા માતા-પિતા વિચારશે કે તેમણે મારો સાચો અને સાચો ઉછેર કર્યો છે. મારું માનવું છે કે સ્વાસ્થય સુવિધા અને એજયુકેશન પર સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે. હવે હું એનો હિસ્સો છુ, હજુ લાંબી મજલ કાપવાની છે.
ભારતમાં કોરાનાની મહામારીમાં કેન્દ્ર સરકારે લોકડાઇન જાહેર કર્યું તેમાં સૌથી મોટી મુશ્કેલી શ્રમિકોને ઉભી થઇ હતી. બીજા શહેરમાં કામ કરતા કામદારો પોતાના વતનમાં જવા વ્યાકુળ થયા હતા, પણ તેમની પાસે પુરતી ટ્રાન્સ્પોર્ટેશન વ્યવસ્થા નહોતી. હજારોની સંખ્યામાં લોકો હાથમાં માલ સામાન અને બાળકોને લઇને ચાલતા વતન જવા નિકળી રહ્યા હતા. તે વખતની તસ્વીરોએ ઘણાં લોકોને વ્યથિત કરી દીધા હતા.
એકટર સોનૂ સૂદના ધ્યાન પર આ વાત આવી હતી અને તેમણે તાબડતોબ આયોજન કરીને શ્રમિકો માટે બસની અને અન્ય ટ્રાન્સ્પોર્ટેશનની વ્યવસ્થા કરી અને શ્રમિકોને તેમના વતન પહોંચાડયા. કેટલાંક કિસ્સાઓમાં તો સોનૂએ વિમાનની વ્યવસ્થા પણ કરી આપી હતી. સોનૂએ માત્ર ટ્રાન્સ્પોર્ટેશનની જ વ્યવસ્થા કરી હતી એવું નહોતું, પણ તેમના નાસ્તા, જમવાની, પાણીની વ્યવસ્થા કરી હતી.