સુરત, હાલ અમદાવાદની આયશા સમગ્ર દેશમાં ચર્ચાઈ રહી છે. ન જાણે ભારતમાં આવી કેટલીય આયશા હશે, જે સાસરીઓના ત્રાસથી રીબાતી હશે. માત્ર આયશા જ નહીં આયશાની જેમ ભારતમાં અનેક યુવતીઓ એવી છે ઘરેલુ હિંસાનો ભોગ બનતી હોય છે. અમદાવાદ બાદ સુરતમાં વધુ એક આયશાની જિંદગી મોતના મુખમાં ધકેલાતી બચાવી લેવાઈ છે. તાપી નદીમાં મોતને વ્હાલુ કરવા જઈ રહેલી પરિણીત મહિલાને બચાવી લેવાઈ છે. રીક્ષાચાલકે મહિલાને બચાવી લીધી હતી. તૌસીફ શેખ નામના રીક્ષાચાલક સુરતના હોપ બ્રિજ પાસેથી પોતાની રીક્ષા લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમની નજર એક મહિલા પર પડી હતી. આ મહિલા તાપી નદીમાં કૂદકો મારવા જઈ રહી હતી. ત્યારે તૌસીફ શેખ પોતાની રીક્ષા તાત્કાલિક થોભાવી નાંખી હતી, અને મહિલાને બચાવવા દોડી ગયા હતા. તેમણે ખેંચીને મહિલાને બચાવી લીધી હતી. મહિલાને રડતી જાેઈ આસપાસથી પસાર થતી અન્ય મહિલાઓ પણ મદદે દોડી આવી હતી.સુરતની મનીષા નામની મહિલા પતિના ત્રાસથી ગુરૂવારે ચોક વિસ્તાર ખાતે આવેલા હોપ બ્રિજથી તાપી નદીમાં કુદવા જઈ રહી હતી. તે રડતા રડતા રસ્તા પરથી જઇ રહી હતી. ત્યારે મનીષા પર ત્યાંથી પસાર થઇ રહેલા રિક્ષાચાલક તૌસીફ શેખની નજર પડી હતી. તેમને લાગ્યું કે, આ મહિલા શા માટે રડીને બ્રિજ તરફ જઈ રહી છે. અચાનક આયશાનો કિસ્સો યાદ આવી ગયો હતો. તેથી સતર્ક થઈને તેમણે રીક્ષા થંભાવી હતી, અને તે મહિલાનો પીછો કરીને હોપ બ્રિજ સુધી ગયા હતા. મહિલા તાપી નદીમાં કુદવા જઈ રહી હતી ત્યારે જ તૌસીફે મનીષાનો હાથ ખેંચીને તેનો જીવ બચાવી લીધો હતો.