કસ્ટમ ડ્યૂટી વધારવાથી ખાદ્ય તેલો પર પ્રભાવી શુલ્કનો દર વધીને ૩૫.૭૫ ટકા થયો


આગામી કેટલાક દિવસોમાં જાેર પકડી રહેલી તહેવારોની સીઝનમાં સામાન્ય લોકોને ખાદ્ય તેલોની વધેલી કિંમતોથી પ્રભાવિત થવું પડી શકે છે. તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ શકે છે. ખરેખર સરકારે વિવિધ ખાદ્ય તેલો પર કસ્ટમ ડ્યૂટી વધારવાનો ર્નિણય લીધો છે. આની અસર કિંમતો પર દેખાઈ શકે છે.

 સરકારે ક્રૂડ અને રિફાઇન્ડ સનફ્લાવર ઑઇલ સહિત કેટલાક અન્ય ખાદ્ય તેલો પર કસ્ટમ ડ્યૂટી વધારવાનો ર્નિણય લીધો છે. અહેવાલમાં નાણાં મંત્રાલયના એક નોટિફિકેશનના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, ક્રૂડ અને રિફાઇન્ડ પામ ઑઇલ, સોયાબીન તેલ અને સનફ્લાવર સીડ ઑઇલ પર બેઝિક કસ્ટમ ડ્યૂટી (બીસીડી) વધારી દેવામાં આવી છે.

ક્રૂડ પામ ઑઇલ, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર સીડ ઑઇલ પર બેઝિક કસ્ટમ ડ્યૂટીનો દર અત્યાર સુધી શૂન્ય હતો. એટલે કે આ તેલોની આયાત પર કોઈ કસ્ટમ ડ્યુટી લાગતી ન હતી. હવે તેને વધારીને ૨૦ ટકા કરવામાં આવી છે. જ્યારે રિફાઇન્ડ સનફ્લાવર સીડ ઑઇલ, રિફાઇન્ડ પામ ઑઇલ અને રિફાઇન્ડ સોયાબીન તેલ પર બેઝિક કસ્ટમ ડ્યૂટીનો દર હવે વધારીને ૩૨.૫ ટકા કરી દેવામાં આવી છે. પહેલા આ દર ૧૨.૫ ટકા હતો. અહેવાલ અનુસાર, કસ્ટમ ડ્યૂટી વધારવાથી બધા સંબંધિત ખાદ્ય તેલો પર પ્રભાવી શુલ્કનો કુલ દર વધીને ૩૫.૭૫ ટકા થઈ ગયો છે. ક્રૂડ પામ ઑઇલ, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર સીડ ઑઇલ પર પ્રભાવી શુલ્કનો દર હવે ૫.૫ ટકાથી વધીને ૨૭.૫ ટકા થઈ ગયો છે. જ્યારે રિફાઇન્ડ સનફ્લાવર સીડ ઑઇલ, રિફાઇન્ડ પામ ઑઇલ અને રિફાઇન્ડ સોયાબીન તેલ પર પ્રભાવી શુલ્કનો દર હવે ૧૩.૭૫ ટકાથી વધીને ૩૫.૭૫ ટકા થઈ ગયો છે.

તહેવારોમાં વધી જાય છે તેલોનો વપરાશ વિવિધ ખાદ્ય તેલો પર કસ્ટમ ડ્યૂટીમાં એવા સમયે વધારો કરવામાં આવ્યો છે, જ્યારે આગામી કેટલાક દિવસોમાં દેશમાં તહેવારોનો સિલસિલો તેજ થવાનો છે. હાલ સપ્ટેમ્બર મહિનો અડધો વીતી ચૂક્યો છે. આગામી મહિને એટલે કે ઑક્ટોબરની શરૂઆતમાં નવરાત્રિ અને દશેરા જેવા તહેવારો આવી રહ્યા છે. ત્યારબાદ ઑક્ટોબરના અંતમાં દિવાળીનો તહેવાર છે. તહેવારો દરમિયાન ખાદ્ય તેલોનો વપરાશ વધી જાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution