વડાપ્રધાન આજે યુપીના ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે

દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 1 વાગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તર પ્રદેશની 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના'ના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. ઉત્તર પ્રદેશ 5 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે સમગ્ર રાજ્યમાં વ્યાપક જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. જેથી કોઈ લાભાર્થી યોજનાનો લાભ લેવામાં પાછળ ન રહી જાય. રાજ્યના 15 કરોડ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા મફતમાં કરિયાણું મળી રહ્યું છે. રાજ્યમાં લગભગ 80 હજાર વાજબી ભાવની દુકાનો યોજના હેઠળ લાભાર્થીઓને અનાજ પૂરૂં પાડે છે. વડાપ્રધાન મોદી મંગળવારે ગુજરાતની ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ગરીબોના સશક્તિકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે અને તેને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાખો પરિવારોને મફત કરિયાણું આપવામાં આવી રહ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution