મેલબર્ન, તા.૩૧
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને રવિવારે સમોસા સાથેની તસવીર શેર કરી હતી અને પોતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેને શેર કરવા ઈચ્છે છે તેમ લખ્યું હતું. હકીકતે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને ટ્વીટર પર કેરીની ચટણી સાથે ‘સ્કોમોસા’નો ફોટો શેર કર્યો હતો અને તેમાં વડાપ્રધાન મોદીને ટેગ કર્યા હતા. તેમણે સમોસાની પોતાની રીતે ‘સ્કોમોસા’ એવું નામ આપ્યું હતું.
તેમણે કેરીની ચટણી સહિત બધું જાતે તૈયાર કર્યું હોવાનું જણાવ્યું હતું અને અને વડાપ્રધાન મોદીને ટેગ કરીને તેમની આગામી બેઠક વીડિયોલિંક દ્વારા હશે તેનું દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે ‘સ્કોમોસા’ શાકાહારી છે અને પોતે તેને પીએમ મોદી સાથે શેર કરવાનું પસંદ કરશે તેમ લખ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસન આગામી ચોથી જૂનના રોજ વીડિયોલિંકના માધ્યમથી દ્વિપક્ષીય શિખર સંમેલન યોજશે. વિદેશ મંત્રાલયના અહેવાલ પ્રમાણે બંને નેતાઓ વચ્ચે ભારત-ઓસ્ટ્રેલિયા શિખર સંમેલનમાં પરસ્પર હિતના મુદ્દે ચર્ચા થશે. આ સાથે જ બંને નેતાઓ લશ્કરી લોજિ સ્ટિક્સ, વિજ્ઞાન અને તકનીક સહિતની અનેક દ્વિપક્ષીય સમજૂતી પર હસ્તાક્ષર કરશે.