દિલ્હી-
કોરોના વાયરસે દુનિયા આખીમાં અનેક લોકોને પોતાની ઝપટમાં લીધા છે. સાથો સાથ ઉદ્યોગ ધંધાઓ પર પણ ગંભીર વિપરીત અસર પડી છે. અનેક લોકોની રોજગારી છીનવાઈ છે તો અનેક લોકોને બે ટંકના ખાવાના પણ સાંસા પડી રહ્યાં છે.
તેમાં પણ એશિયાના કેટલાક દેશોની સ્થિતિ તો ખરેખર દયનિય છે. મ્યાનમારમાં કોરોનાને લીધે ભૂખમરાની નોબત આવી ગઈ છે. અહીં લોકો સાપ, ઉંદર અને જીવડા ખાઈને ગુજરાન ચલાવવા મજબુર બન્યા છે. હવે ફરી એકવાર લૉકડાઉન હટાવી લેવામાં આવ્યા બાદ ફરી કોરોનાના કેસ ફરી વધવા લાગતા સ્થિતિ વધારે કથળે તેવી શક્યતા છે.
મ્યાનમારમાં સપ્ટેમ્બરમાં લોકોને ઘરોમાં રહેવા અપીલ કરવામાં આવી રહી છે. પરિણામે ભૂખમરાની સ્થિતિ સર્જાઇ છે. યાંગૂનમાં રહેતા 36 વર્ષીય મા સૂને કહ્યું હતું કે, જ્યારે પહેલીવાર લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું તો સલાડનો સ્ટૉલ બંધ કરવો પડ્યો. ખાદ્યસામગ્રી એકઠી કરવા ઘરેણાં ગિરવે મૂકવા પડ્યાં. જ્યારે બીજી વખત લૉકડાઉન લાગ્યું તો ફરીવાર સ્ટૉલ બંધ કરવો પડ્યો. દરમિયાન કપડાં અને વાસણો વેચી ભોજન કરવાની ફરજ પડી.
હવે વેચવા માટે કંઇ ના રહ્યું તો પતિ સાથે શહેરી વિસ્તારોમાં વહેતા નાળામાંથી ખાવાની વસ્તુઓ શોધવા મજબૂર થયા. આંખોથી વહેતા અશ્રુઓ સાથે ભૂખી મા સૂ કહે છે કે અહીંના મોટા ભાગના લોકો ઉંદર અને સાપ ખાઇ રહ્યા છે. બીજી બાજુ સ્થાનિક તંત્રના અધિકારી નેય મિન ટુન કહે છે કે તેમના ક્ષેત્રમાં ૪૦ ટકા લોકોને સહાય ઉપલબ્ધ કરાવાઈ ચૂકી છે.