ગાંધીનગર-
ગુજરાત વિધાનસભામાં મગફળીની ખરીદી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ હતી. વિધાનસભાના પ્રશ્નકાળ દરમિયાન પરેશ ધાનાણીએ આ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે, ખરીદી કેન્દ્રો પરથી ખેડૂતોને તેમ કહીને કાઢી મુકવામાં આવે છે કે, તેઓ જે મગફળી વેચવા માટે આવ્યા છે તેમાં મોટા પ્રમાણમાં કાંકરા છે.
પરેશ ધનાણીએએ કહ્યું કે, ખરીદી નહી થવાના કારણે ખેડૂતો પછી તેને પરત નથી લઇ જતા અને યાર્ડ પર જ જે પણ ભાવ આવે તેમાં વેચવા માટે મજબુર બને છે. જેનો ભરપુર ફાયદો વચેટિયાઓ ઉઠાવે છે અને પાણીના ભાવે ખેડૂતોની જણસ ખરીદીને ખુબ જ ઉંચા ભાવે ખરીદે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, તમે (ભાજપ) આ મગફળી કૌભાંડમાં સંડોવાયેલા છો.
કોંગ્રેસ દ્વારા લગાવાયેલા આ આરોપોનું ખંડન કરતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ખેડૂતો દ્વારા ખરીદી અંગે કોઇ ફરિયાદ કરવામાં આવી નથી. તેમણે દાવો કર્યો કે લાખો ખેડૂતો દ્વારા પોતાના પાકને વેચવામાં આવ્યો છે. એમએસપીની રકમ સીધી જ ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર નહી પરંતુ સીધી કેન્દ્ર સરકારની એજન્સી નાફેડ દ્વારા ખેડૂતોની ઉપજ ખરીદવામાં આવે છે. પરંતુ ખેડૂતો મુદ્દે કોંગ્રેસ દ્વારા તો માત્ર રાજનીતિ જ કરવામાં આવી રહી છે.