પાકિસ્તાનનો આ ફાસ્ટ બોલર 7 ફૂટ 6 ઈંચ ઉંચાઈ સાથે છે દુનિયાનો સૌથી ઉંચો બોલર

ઈસ્લામાબાદ

પાકિસ્તાન પાસે પ્રતિભાશાળી ઝડપી બોલરો બનાવવાનો ટ્રેક રેકોર્ડ છે, તે વસીમ અકરમ હોય કે 7 ફૂટ 1 ઇંચ ઉંચાઈ ધરાવતા મુહમ્મદ ઇરફાન. લાગે છે કે દુનિયાના સૌથી ઉંચા બોલર તરીકે મુહમ્મદ ઇરફાનનો રેકોર્ડ 18 વર્ષનો મુદસ્સર ગુર્જર તોડી રહ્યો છે. પાકિસ્તાન સુપર લિગમાં લાહોર કલંદર્સની ટીમમાં સમાવેશ કરવામાં આવેલા મુદસ્સર ગુર્જર હાલ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં ભાગ લઈ રહ્યો છે અને બહુ ઝડપથી PSLમાં તરખાટ મચાવતો જોવા મળશે. 

7 ફૂટ 1 ઈંચ ઊંચા ઈરફાનની માફક મુદસ્સર પણ ઝડપી બોલર છે. જોકે તેની ઊંચાઈ વિશે અલગ અલગ દાવાઓ થઈ રહ્યા છે. લાહોર કલંદર્સ અને પાકિસ્તાનના સ્પોર્ટ્સ જર્નલિસ્ટ સાજ સાદિકે પોતાના ટ્વિટર હેન્ડલ પર મુદસ્સરની ઊંચાઈ 7 ફૂટ 6 ઈંચ હોવાનું લખ્યું છે. જ્યારે અન્ય કેટલાંક મીડિયા રિપોર્ટ્સમાં તેની ઊંચાઈ 7 ફૂટ 4 ઈંચ હોવાનું કહેવાયું છે. જો તે પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમમાં સામેલ થશે તો ક્રિકેટ ઈતિહાસમાં દુનિયાના સૌથી ઉંચા બોલર તરીકેનું બિરુદ મેળવી શકે છે.

એક ન્યૂઝ પેપરને આપેલા ઈન્ટરવ્યૂમાં મુદસ્સર ગુર્જરે કહ્યું હતું કે, હું મારી ઊંચાઈને અલ્લાહની મહેર માનું છું. જો કે, ડોકટર તેને હોર્મોન્સની સમસ્યા જણાવે છે. મુદસ્સરે કહ્યું આટલી ઊંચાઈ હોવાથી હું ઝડપી દોડી શકું છું અને દુનિયાનો સૌથી ઝડપી બોલર પણ બની શકું છું. મુદસ્સર ગુર્જરે જણાવ્યું કે તેણે 7 મહિના પહેલાં ટ્રેનિંગ શરૂ કરી દિધી હતી, પરંતુ કોરોના વાયરસની મહામારીના કારણે તે વચ્ચે બંધ થઈ ગઈ હતી. તેને આશા છે કે એક દિવસ તે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનાર દુનિયાનો સૌથી લાંબો બોલર બનશે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution