વોશિંગ્ટન,તા.૫
અમેરિકામાં એક અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડના મોત બાદ ભડકેલ વિરોધ પ્રદર્શન હજુ પણ શાંત થયું નથી અને અમેરિકન પોલીસની વધુ એક ક્રૂરતા સામે આવી છે. ન્યૂયોર્ક પોલીસે હથિયાર વગરના એક ૭૫ વર્ષના વૃદ્ધ પ્રદર્શનકારીને એવો ધક્કો માર્યો કે જમીન પર પડી જતા પ્રદર્શનકારીનું માથું ફાટી ગયું અને તેઓ બેભાન થઇ ગયા હતા. પ્રદર્શનકારીને લોહી નીકળતું જાયા બાદ પણ પોલીસકર્મી તેની મદદ માટે થોભતા નથી.
જ્યોર્જ ફ્લોઇડ નામના એક અશ્વેત નાગરિકના મોત બાદ અમેરિકાના કેટલાંય શહેરોમાં હિંસક પ્રદર્શન ચાલુ છે. આ બધાની વચ્ચે ગુરૂવારના રોજ વોશિંગ્ટનના લિંકન મેમોરિયલની બહાર પ્રદર્શન કરી રહેલા લોકોનો ગુસ્સો અચાનક ભડકી ઉઠ્યો અને તેમણે પોલીસવાળાઓ પર ખાલી બોટલોથી હુમલો કર્યો. દેશભરમાં પ્રદર્શનોની વચ્ચે ૧૦૦૦૦થી વધુ લોકોની ધરપકડ કરી છે. તો આ દરમ્યાન ૧૨થી વધુ લોકોના મોત થયા છે. કેલિફોર્નિયામાં પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યુહતું.પ્રદર્શનકારીઓની સામે પોલીસની તરફથી રબર અને પ્લાસ્ટિક બુલેટ પણ છોડવામાં આવી રહ્યા છે. પ્રદર્શન દરમ્યાન કેટલાંક લોકો આ બુલેટનો શિકાર બન્યા છે.