વડોદરા,તા. ૮
છેલ્લા ઘણા દિવસોથી એન.એસ.યુ.આઈ દ્વારા ફી ના મુદ્દાને લઈને ડી.ઈ.ઓ કચેરી ખાતે રજૂઆતો કરવામાં આવી રહી હતી. જોકે, ડી.ઈ.ઓ પોતે હાજર ન હોવાથી આજે એન.એસ.યુ.આઈ ના કાર્યકર્તાઓ દ્વારા ડી.ઈ.ઓ કચેરીને તાળાબંધી કરવામાં આવી હતી. જ્યાર બાદ ગણતરીના સમયમાં ડી.ઈ.ઓ દોડી આવ્યા હતા.
લોકડાઉનને કારણે મોટા ભાગના ધંધા-રોજગારીઓ ઠપ્પ પડી ગઈ હોવાથી ઘણાબધા વાલીઓ એકસાથે આખા વર્ષની ફી ભરી શકે તેમ નથી. વાલીઓની પરિસ્થતિ સમજવાને બદલે શહેરની લગભગ તમામ શાળાઓએ લોકડાઉનના સમયની તેમજ નવા શૈક્ષણિક સત્રની ફી ઉઘરાવવાનું શરુ કરી દીધું છે. જેના પગલે છેલ્લા ઘણા સમયથી ફી માફી માટે આંદોલન ચલાવી રહેલા એન.એસ.યુ.આઈ દ્વારા આજે ડી.ઈ.ઓ કચેરીને તાળાબંધી કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. આમ, કરવા પાછળનું કારણ જણાવતા શહેર એન,.એસ.યુ.આઈ પ્રમુખ વ્રજ પટેલે જણાવ્યું હતું કે, અમે છેલ્લા દસેક દિવસથી ફી અંગેના ઘણાબધા મુદ્દાઓને લઈને ડી.ઈ.ઓ સાહેબને મળવા માટે આવતા હતા પરંતુ સાહેબ મળતા જ ન હતા. અમારી રજૂઆતોના નિકાલ માટે પણ કોઈ કામગીરી કરાઈ ન હોવાથી આજે અમે આ કાર્યક્રમ યોજ્યો હતો. ડી.ઈ.ઓ કચેરીને તાળાબંધી થતા ડી.ઈ.ઓ ગણતરીની મિનિટોમાં દોડી આવ્યા હતા. પરંતુ ગેટ બહાર જ એન.એસ.યુ.આઈ ના કાર્યકર્તાઓએ કાર નો ઘેરાવો કરી લીધો હતો.