ગાંધીનગર-
વિજય રૂપાણીના મંત્રી મંડળના તમામ મિનિસ્ટરોને પડતા મુકવા અને અગાઉ પણ જે ધારાસભ્યો મંત્રી બની ગયા હોય તેમને નવા મંત્રી મંડળનાં નવી શમાવીને સંપૂર્ણપણે નો-રિપીટ થિયરી અપનાવવાનો ભાજપે નિર્ણય લીધા બાદ ભારે ભડકો થતાં ગઈકાલે શપથવિધિ મુલત્વી રાખવામાં આવી હતી. આજે બપોરે ૧-૩૦ વાગ્યે સિનિયર મંત્રીઓ અને આગેવાનોની નારાજગી વચ્ચે શપથવિધિ યોજાશે. નો-રિપીટ થિયરી ગુજરાતની પોલિટિકલ લેબોરેટરીમાં અપનાવવાની વાતને ભાજપની કેન્દ્રીય નેતાગીરી વળગી રહ્યું છે.
નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે ગુજરાતમાં છે. આ કાર્યક્રમ ગાંધીનગર રાજભવન ખાતે બપોરે 1.30 કલાકે યોજાશે. જોકે, આ શપથગ્રહણ સમારોહ 15 સપ્ટેમ્બરે યોજાવાનો હતો. આ અંગે રાજભવનમાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા. બાદમાં તે તમામ પોસ્ટરો ફરી તોડી નાખવામાં આવ્યા હતા. સોમવારે ભૂપેન્દ્ર પટેલે નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
જણાવી દઈએ કે ભૂપેન્દ્ર પટેલને રવિવારે સર્વસંમતિથી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને સોમવારે ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેમને રાજ્યના 17 મા મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. ડિસેમ્બર 2022 માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેને જોતા ભાજપે ચૂંટણી જીત માટે પાટીદાર નેતા ભૂપેન્દ્ર પટેલ પર ભરોસો કર્યો છે.