દિલ્હી-
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. જો 10 લાખ વસતી પર સંક્રમિત મામલા અને મૃત્યુદરની વાત કરવામાં આવે તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. ભારતથી વધારે મામલા અમેરિકા અને બ્રાઝીલમાં છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વકરી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11 લાખને પાર કરી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 681 લોકોના મોત થયા છે અને 40,425 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીમાં સૌથી વધારે નોંધાયેલા સંક્રમિતો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,18,043 પર પહોંચી છે અને 27,497 લોકોના મોત થયા છે. 7,00,087 લોકો સાજા થઈ ગયા છે અને 3,90,459 એક્ટિવ કેસ છે.
ભારતમાં મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં 3,10,455 કેસ નોંધાય છે. જે પછી તમિલનાડુમાં 1,70,693, દિલ્હીમાં 1,22,793, કર્ણાટકમાં 63,772, ગુજરાતમાં 48,355, ઉત્તરપ્રદેશમાં 49,247, તેલંગાણામાં 45,076, આંધ્રપ્રદેશમાં 49,650, પશ્ચિમ બંગાળમાં 42,487 કેસ નોંધાયા છે.