ખંડાલા ફરવા માટે ખૂબ જ સુંદર હિલ સ્ટેશન પણ છે. પ્રાકૃતિક દૃશ્ય, લીલાંછમ મેદાન, વહેતાં ઝરણાં અને વાદળોને સ્પર્શતા ઉંચા પહાડોથી ભરેલું આ હિલ સ્ટેશન ખરેખર એકવાર જોવાલાયક છે. અહીં દરેક વસ્તુ ખંડાલાને પ્રકૃતિ તરફથી મળેલી ભેટ સમાન છે. મુંબઈની ભીડભાડથી આશરે 100 કિમીના અંતરે આવેલું ખંડાલા ટૂરિસ્ટ્સ માટે ફેવરિટ વીકેન્ડ ડેસ્ટિનેશન છે.
અહીંની કુદરતી સુંદરતા દરેકનું મન મોહી લે એવી છે. એમાં પણ જ્યારે ચોમાસું શરૂ થાય ત્યારે અહીંનું દૃશ્ય વધારે રમણીય બની જાય છે. વાતાવરણ જોઇને એવું લાગે જાણે કુદરત પોતાને હાથથી અહીંની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે. અહીં એક કૂને વોટર ફોલ છે, જેને જોતાં નજર એવી મંડાઈ જાય છે જેને હટાવવી ખૂબ જ મુશ્કેલ છે. આશરે 200 ફૂટ ઇંચાઈથી પડતા ધોધનો વરસાદ જોઇને જાણે એવું લાગે કે આનાથી સુંદર દુનિયામાં બીજું કંઈ જ નથી.
જે લોકોને ટ્રેકિંગ અને ક્લાઇમબિંગ કરવાનો શોખ હોય તેમના માટે પણ આ જગ્યા બેસ્ટ છે.
જો અહીં આવવા માટે ટ્રેન પકડવામાં આવે તો રસ્તામાં 20થી વધારે ટનલમાંથી પસાર થવું પડે છે, જે દિવસના અજવાળે પણ અંધારી રાતનો અનુભવ કરાવે છે. ત્રણે બાજુથી પાણીથી ઘેરાયેલો તુંગા કિલા કામશેત પણ માણવાલાયક સ્થળ છે. 1600ની સદીમાં આદિલ શાહી વંશે આ બનાવ્યો હતો. આ કિલ્લા સુધી પહોંચવા માટે 1200 ફૂટનું ચઢાણ કરવું પડે છે. ખંડાલાનું વાતાવરણ આખું વર્ષ ખૂબ જ સુંદર રહે છે. પ્રવાસીઓ અહીં વર્ષોથી ફરવા આવે છે. જોકે, વરસાદની ઋતુમાં અહીં આવવાની મજા જ કંઇક અલગ છે. લાયન્સ પોઇન્ટ, નેકલેસ પોઇન્ટ્સ, રાજમાચી પોઇન્ટ્સ, લોનાવાલા તળાવ જેવા નાના ટૂરિસ્ટ પોઇન્ટ્સ દરેકનું મન મોહી લે એવાં સ્થળો છે.