વડોદરા : દાંડિયાબજાર કહાર મોહલ્લામાં માતા પિતા સહિતના પરિવાર સાથે રહેતો ૨૬ વર્ષીય ધર્મેશ ઉર્ફ બટકો સત્યનારાયણ કહાર મચ્છીનો વેપાર કરતો હતો. તાજેતરમાં તેણે બકરાવાડી નાડિયાવાસમાં રહેતી અન્ય જ્ઞાતીની યુવતી સાથે લવમેરેજ કર્યું હતું. ગત ૧૩મી તારીખના બપોરે તે મિત્રની બર્થડે પાર્ટીમાં જવાનું કહીને નીકળ્યો હતો. દરમિયાન સાંજે તેની પત્નીએ તેને ફોન કરી તે ક્યાં છે તેમ પુછતા તેણે હું હાલમાં કિશનવાડી વિસ્તારમાં ગધેડામાર્કેટ પાસે દશામાંના મંદિર પાસે મિત્રો સાથે આવ્યો છું તેટલુ જણાવ્યું હતું.
જાેકે ત્યારબાદ તે મોડી રાત સુધી નહી આવતા પરિવારજનોએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતું તેનો સંપર્ક થઈ શક્યો નહોંતો અને તે ભેદી સંજાેગોમાં ગુમ થયો હતો. ધર્મેશના પરિવારજનોએ સગાસંબંધીઓ તેમજ સોશ્યલ મિડિયામાં તેને ફોટા સાથે તે ગુમ થયો હોવાની જાણ કરી હતી. આ દરમિયાન આજે બપોરે તાલુકા પોલીસ મથકમાં દુમાડગામના રહીશ વિષ્ણુભાઈ વાળંદે ફોન પર જાણ કરી હતી દુમાડ ગામની સીમમાં વ્યાસેશ્વર મહાદેવ મંદિર તરફ જવાનો રોડ પર પાણીના નાળામાં એક અજાણ્યો યુવકનો મૃતદેહ પડ્યો છે. આ જાણકારીના પગલે તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી જેમાં પાણીના નાળામાં યુવકની ડીકંપોઝ થયેલી હાલતમાં હત્યા કરાયેલી લાશ પડી હોવાની જાણ થઈ હતી. આ વિગતોના પગલે પોલીસ ઉચ્ચાધિકારીઓ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે દોડી આવી પ્રાથમિક તપાસ કરી હતી જેમાં અજાણ્યા મૃતકની શરીર પર અનેક ઘા ઝીંકાયેલા સ્પષ્ટ નજરે ચઢ્યા હતા.
પોલીસે જરૂરી કાર્યવાહી બાદ અજાણ્યા યુવકની લાશના ફોટા સોશ્યલ મિડિયામાં વાયરલ કરતા જ ગણતરીની મિનીટોમાં ધર્મેશ કહારના માતા-પિતા અને પત્ની ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેઓએ લાશને ઓળખી બતાવી હતી. પાંચ દિવસ સુધી લાશ પાણીમાં પડી રહેવાના કારણે ડીકંપોઝ થઈ હોઈ પોલીસે તેને લાશને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. લાશ મળ્યા બાદ તુરંત તેની ઓળખ છતી નહી થતા તાલુકા પોલીસે પ્રાથમિક તપાસમાં અજાણ્યા યુવકની હત્યાનો ગુનો નોંધ્યો હતો.
પ્રેમલગ્ન કરવાની અદાવતમાં હત્યાની શંકા
ધર્મેશની લાશ ઓળખાતા પોલીસે તેના પરિવારજનો પાસેથી પ્રાથમિક વિગતો મેળવી હતી જેમાં તેણે બકરાવાડી વિસ્તારની અન્ય જ્ઞાતીની યુવતી સાથે લગ્ન કર્યા હોઈ તેની અદાવતમાં હત્યા કરાઈ હોવાની શંકાના પગલે પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જ પોલીસને મહત્વની કડીઓ હાથ લાગતા આ ગુનાનો ટુંક સમયમાં ભેદ ઉકેલાશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
લાશ પડી રહેતાં સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ
ધર્મેશની રવિવારે મોડી સાંજ બાદ અન્ય કોઈ સ્થળે હત્યા કરાયા બાદ તેની લાશને દુમાડ ગામની સીમમાં ઓછી અવરજવરવાળી જગ્યાએ ફેંકી દેવાઈ હોવાનું અનુમાન છે. બીજીતરફ પાણીમાં પાંચ દિવસ લાશ પડી રહેતા તે ડીકંપોઝ થઈ હતી જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ હતી. આ દુર્ગંધની ગ્રામજનોએ તપાસ કરતા પાણીમાં લાશ મળી આવતા તેની પોલીસને જાણ કરાઈ હતી.
ઝનૂનપૂર્વક ઘા ઝીંકાતાં પેટના અવયવો બહાર આવી ગયા
ધર્મેશના અર્ધનગ્ન મૃતદેહ પર પેટ, છાતી તથા પાછળના બરડાના ભાગે ભારે ઝનુનપુર્વક તીક્ષ્ણ હથિયારના અનેક ઘા ઝીંકાતા ડીકંપોઝ થવા છતા લાશ પર ઘાના નિશાન સ્પષ્ટ નજરે ચઢતા હતા. એટલું જ નહી પેટના ભાગે બે ઘા એટલા ઝનુનપુર્વક ઝીંકાયા હતા કે પેટના અંદરના ભાગના અવયવો પણ બહાર આવી ગયા હતા. શરીર પર થયેલા ઈજાના નિશાનો જાેતા આ હત્યામાં એક કરતા વધુ આરોપીઓ હોવાની શંકા સેવાઈ રહી છે.