માતાએ ત્રણ વર્ષીય પુત્રી સાથે પાંચમાં માળેથી પડતું મૂકી આપઘાત કર્યો

સુરત- 

સુરતમાં ફરી એકવાર દિલ ધડકાવી દે તેવો બનાવ બન્યો છે. સુરતના પરવત પાટિયામાં માતાએ પોતાની ત્રણ વર્ષીય પુત્રી સાથે પાંચમા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો. માતા-પુત્રીના શરીરે ગંભીર ઇજા થતા માતાનું ઘટના સ્થળે મોત થયું હતું. પુત્રીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પારિવારિક કંકાસને કારણે પરિણીતએ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. લગ્ન બાદ સાસુ-સસરા પરિણીતાને દહેજ માટે ત્રાસ આપતા હોવાનો આક્ષેપ પિયરિયાએ કર્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર પરવતપાટિયા પાસે આવેલા સીએનજી પંપની પાછળ આવેલા રૃદ્રમણી એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા ૩૦ વર્ષીય કોમલબેન આશિષ સોમાણીએ બપોરે પાંચમા માળે આવેલા ફ્લેટની બાલ્કનીમાંથી પોતાની ત્રણ વર્ષની પુત્રી મિષ્ટી સાથે ભૂસકો માર્યો હતો. માતા અને પુત્રી એક સાથે ધડાકાભેર નીચે પડતા બંનેના શરીરે ગંભીર ઇજા થઇ હતી. બે ફ્લેટ વચ્ચે આવેલા પેસેજમાંથી પાર્કિંગમાં માતાએ પુત્રી સાથે ધડકાભેર પડતું મૂક્તા રહીશો દોડી આવ્યા હતાં. તેમણે કોમલના પરિજનોને ઘટનાની જાણ કરી હતી. માતા કોમલબેનનું ઘટનાસ્થળે મોત થયું હતું.

પુત્રી મિષ્ટીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. માતા-પુત્રીની બોડી પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં પૂણા પોલીસે જણાવ્યું કે સોમાણી પરિવારમાં ઘરકંકાસ થતો હતો. લાંબા સમયથી ચાલતા પારિવારિક કંકાસને કારણે કોમલબેને અંતિમ પગલું ભયુંર્‌ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. કેસની વધુ તપાસ બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે. કોમલબેનનો પતિ આશિષ દેવેન્દ્ર સોમાણી સાડી અને ડ્રેસ મટિરિયલના બોક્સ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution