વડોદરા : ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનો સપાટો ફરી વળ્યો છે, તેની સીધી અસર હેઠળ ઉત્તર તરફથી તેજ ગતિએ બર્ફિલા પવન ફૂંકાતાં શહેર ઠંડુગાર બની ગયું છે. દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાતાં શહેરમાં ખશનૂમા માહોલ અનુભવાઈ રહ્યો છે. જાે કે, ઠંડીના પગલે શહેરનું સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. વડોદરામાં છેલ્લાં કેટલાંક દિવસથી તીવ્ર ઠંડીના સપાટા વચ્ચે ખુશનૂમા માહોલ અનુભવાઈ રહ્યો છે. ઉત્તર તરફથી ઠંડા પવન ફૂંકાતાં શહેર ઠંડુંગાર બન્યું છે. તેમાંય વહેલી સવારે અને મોડી રાત્રે તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઠંડીના ચમકારાને લીધે શહેરનું સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. જાે કે, વહેલી સવારે ફૂલગુલાબી ઠંડીમાં શહેરના વિવિધ બાગ-બગીચાઓમાં મોર્નિંગ વોકર્સની સંખ્યા વધી રહી છે, જ્યારે રાત થતાં જ લોકો બારી-બારણાં બંધ રાખીને ઘરોમાં જ રહેવાનું મુનાસીબ માની રહ્યા છે. હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે મહત્તમ તાપમાન ર૭.૨ ડિગ્રી અને લઘુતમ તાપમાનમાં વધુ ઘટાડા સાથે ૧૩.૬ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા જે સાંજે ૩૪ ટકા અને હવાનું દબાણ ૧૦૧૫.૩ મિલિબાર્સ તેમજ ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિકલાકના ૯ કિ.મી. નોંધાઈ હતી. ઠંડીના ચમકારાની સાથે કલાભવન ગ્રાઉન્ડ પર ગરમ વસ્ત્રોના બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જામી રહી છે.