ગાંધીનગર-
ગુજરાતના અમુક ભાગમાં હવામાન વિભાગની હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે. જેના કારણે રાજ્યના અલગ અલગ ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે રાજ્યના વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
ભાવનગર, અમરેલી, રાજકોટમાં ૩ – ૪ જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે. કેરળમાં ૩ જૂન સુધી ચોમાસું આગમન થઈ શકે છે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ (ટ્રફ) છે જેને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવનના કારણે લાગે છે કે ગરમી હવે ૪૦ ડિગ્રીને વળોટશે નહીં, આજે અમદાવાદમાં ૩૭,૬ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગે પણ ગરમી વધશે તેવી આગાહી કરી નથી. ઉલ્ટાનું આગામી ચારથી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થવાની આગાહી કરી છે. તેમજ રાજ્યના અમુક ભાગમાં મધ્યમથી ભારે વરસાદ અને ગાજવીજ થવાની આગાહી કરી છે.