અતીતની એ ગોઝારી ઘટનાની યાદો તેને ફરી એ જ સ્થળે ખેંચી લાવી

લેખકઃ ભૂમિ જાેષી | 

તડપતા દિલની આરત ગુંજી ઉઠી ચોપાસમાં

તારા સ્પંદનો મલકાય છે મારા હર અહેસાસમાં..

વર્ષો પછી સિયા વિદેશથી આવી હતી. પોતાની એક નાદાનીએ ત્રણ ત્રણ જીંદગી તબાહ કરી દીધી હતી. આ અપરાધભાવ તેને શાંતિથી જીવવા દેતો નહતો. શહેર બદલવાથી જિંદગી નથી બદલાઈ જતી એ વાત હવે તે ખૂબ સારી રીતે સમજી ગઈ હતી.

અતીતની એ ગોઝારી ઘટનાની યાદો તેને ફરી એ જ સ્થળે ખેંચી લાવી હતી. મનાલીની ઠંડી હવા તેના લહેરાતા વાળમાંથી સરકી ભૂતકાળની ગલીઓમાં તેને ખેંચી ગઈ. ચહેરાઓ અને તેના અહેસાસ આજે પણ તેના હ્રદયમાં ધબકતાં હતાં.તેની નજરો સામે ચાર વર્ષ પહેલાનું એ કોલેજ કેમ્પસ તરવરી ઉઠ્‌યું જ્યાંથી આ દાસ્તાન શરૂ થઈ હતી.

ક્રિના ખુશીથી એકદમ ઉછળીને કેયુરને વળગી પડી,“અરે ક્રિના, શું થયું? કેમ આટલી બધી ખુશ છે? આમ અહી બધાની વચ્ચે મને ભેટી પડી...સાચું કહું તો કારણ જે પણ હોય. તારું આમ મારા પર વરસી પડવું. માય ગોડ ! શું અહેસાસ છે! આ સ્વપ્ન તો નથી ને..?અલ્યા, ભાવિન મને ચુંટલો ભર તો.”

કેયુરના શબ્દો અને અચાનક ભાવિન સામે આવતા ક્રિના તો શરમથી લાલ થઈ ગઈ. તરત કેયુરથી અલગ થઈ ગઈ. તેઓ વાત કરતા હતાં ત્યાં જ ટીના,રાહુલ,સ્વાતિ બધા આવી ગયાં. બધા એકસાથે બોલ્યા, “કેયુર તારી તો લોટરી લાગી ગઈ! પ્રોફેસર મહેતાએ આપણી એક વિકની ટુરની પ્રપોઝલને લીલી ઝંડી આપી દીધી છે અને એ પણ આપણા પ્રિય સ્થળે કુલુ મનાલી.” સાંભળતા જ કેયુરની ખુશીનો પાર ન રહ્યો. ઘણા દિવસની તેની મહેનત આખરે રંગ લાવી હતી.

“હા, જાણીએ છીએ, આ ટૂર આપણાં બધાં માટે યાદગાર હશે. કેમ કે આ આપણું છેલ્લું વર્ષ છે. કેયુર અને ક્રિના જેવા ઘણા પ્રેમીપંખીડાને વિહરવા નવું આસમાન મળશે.” સ્વાતિના શબ્દો સાંભળી બધા વધુ ખુશ થઈ ગયાં.

“ક્રિના, તને તો હું કદી કેયુરની થવા નહી દઉં. કેયુર ફકત મારો છે. બહુ જલદી આ વાત તું પણ સમજી જઈશ.” કયારથી ક્રિના અને કેયુર પર નજર રાખનાર સિયા દાંત કચકચાવીને ત્યાંથી જતી રહી.

ક્રિના અને કેયુર બંને એક જ કોલેજમાં ભણતાં હતાં અને છેલ્લા બે વર્ષથી એકબીજાને ગળાડૂબ પ્રેમ કરતાં હતાં. આ તેમનું કોલેજનું છેલ્લું વર્ષ હતું. કેયુર દેખાવમાં ખૂબ સોહામણો હતો. ક્રિના પણ તેટલી જ સુંદર! બંને જાણે સારસ બેલડીની જાેડી!

સ્વાતિ, રાહુલ,ભાવિન,ટીના બધા ક્રિના અને કેયુરના ખાસ મિત્રો હતાં. આખી કોલેજમાં આ ગ્રુપ પ્રખ્યાત હતું. આ બધામાં સિયા બધા સાથે રહીને પણ અલિપ્ત! તે પણ કેયુરને ખુબ ચાહતી હતી. જ્યારે કેયુર માટે તે ફક્ત દોસ્ત હતી.

બીજા દિવસે વહેલી સવારે બે પ્રોફેસર અને કોલેજના વિદ્યાર્થીઓની ટૂર નીકળી પડી. આખી બસમાં ક્રિના અને કેયુરનું ગ્રુપ મસ્તી કરતું હતું. ક્યારેક અંતાક્ષરી તો ક્યારેક ડાન્સ. સિયા પણ તેમની જાેડે મસ્તી કરતી હતી પણ અંદરથી સળગી રહી હતી.

 બે દિવસના કુલુના રોકાણ બાદ તેઓ મનાલી આવ્યાં. પહાડો, ખીણો, ઝરણાંઓને જાેતા ક્રિના અને સ્વાતિ તો પાગલ થઇ રહી હતી. સૌથી સુંદર પોઇન્ટ રોહતાંગ પાસમાં બરફની ખીણો જાેઈ મસ્તી કરતા કરતા તેઓ ગ્રુપથી દૂર નીકળી ગયાં. થોડીવારમાં સ્વાતિની ચીસ સંભળાઈ. તે દોડતી દોડતી બીજી તરફ મસ્તી કરી રહેલ કેયુર અને તેના દોસ્તોને બોલાવવા ગઈ.

પરંતુ સ્વાતિ બધાને બોલાવીને લઈ આવી ત્યાં સુધીમાં ક્રિના ત્યાં ન હતી. બધાએ ક્રિનાની ખુબ શોધખોળ કરી પણ ક્રિનાનો કોઈ પતો ન ચાલ્યો. એવામાં ફરી બરફવર્ષા થતા આખરે બધાએ ત્યાંથી જવું પડ્યું. કેયુરની તો જાણે દુનિયા જ લૂંટાઈ ગઈ હતી.

આખી કોલેજમાં મસ્તી કરતો કેયુર સાવ શૂન્યમનસ્ક થઈ ગયો હતો. આ ઘટના બાદ ત્રણ ચાર દિવસ ક્રિનાની શોધખોળ કરી. પણ કશું હાથ ન લાગ્યું. આખરે ટુર પરત આવી ગઈ.

ક્રિનાની ગેરહાજરીમાં સિયાએ કેયુરનું દિલ જીતવાની ભરપૂર કોશિશ કરી પણ કેયુરની તો સાવ લાગણીઓ જ સુકાઈ ગઈ હતી. સમય વીતતો ગયો. પોતે જે ચાહત માટે તરસતી હતી તે કદી પૂરી ન થઈ. કેયુર જાણે પરાણે જીંદગી જીવી રહ્યો હતો. કેયુરને ન પામી શકવાના દુઃખે સિયા પણ ઇન્ડીયા છોડી જતી રહી. તે ભલે દૂર ગઈ હતી પણ તેની અપરાધભાવના તેનો પીછો નહોતી છોડતી. બંને એક વ્યક્તિના તડપમાં જીવતાં હતાં પણ બંનેની તડપમાં જમીન આસમાનનો તફાવત હતો.

આજે વર્ષો પછી ફરી સિયા મનાલી આવી હતી. કેયુર પણ પોતાની ચાહતની નજીક રહેવા માંગતો હોય તેમ ફરી મનાલી આવ્યો હતો અને કુદરત પણ તૂટેલા તાર ફરી કરવા મથતી હોય તેમ તે બંને એક જ હોટેલમાં, એકબીજાની હાજરીથી અજાણ હોટેલના જ કેફેમાં બેઠાં હતાં.

સિયા કોફીનો મગ લઈ દૂર દેખાતી ખીણ જાેઈ રહી હતી કે પાછળથી કોઈ તેની નજીક સરકીને બોલ્યું, “મને તો હતું કે તું કેયુરને પામી ખૂબ ખુશ હોઈશ. પણ તારી આંખોની ઉદાસી તો કંઈક અલગ જ કહે છે!”

સિયા તો પોતાની સામે ક્રિનાને ઉભેલ જાેઈ બેહદ આશ્ચર્ય સાથે ખુશીથી ઉછળી તેને પોતાની બાંહોમાં લેતા બોલી, “ક્રિના! ક્યાં હતી તું? મને તો હતું કે તું.. ક્રિના પ્લીઝ મને માફ કરી દે. મેં જે તને તે દિવસે ખીણમાં ધક્કો માર્યો હતો. કેયુરને પામવા મે તને..”બોલતાં બોલતાં સિયા રડી પડી.

ક્રિના હસવા લાગી. સિયા એ દિવસે તું બરફની ખીણમાં મોટેથી બોલતી હતી, “કેયુર આઈ લવ યુ.. તું નહી મળે તો હું નહી જીવી શકું.” તારું દર્દ મને સ્પર્શી ગયું. તું ખીણમાં પડવા જતી હતી ને મેં તને બચાવી. ત્યારે મને લાગ્યું કે કેયુરને મેળવ્યા વગર પણ તેનો પ્રેમ મને જીવાડી દેશે પણ કેયુર તને નહી મળે તો તું નહી જીવી શકે.”

“ક્રિના એ બધું નાટક હતું જેથી તું અમારી વચ્ચેથી જતી રહે. એટલે જ મે તને ધક્કો માર્યો.”

“ તેં ધક્કો માર્યો ન હતો. મારો હાથ લપસ્યો હતો પણ મારા કિસ્મત કે હું જીવી ગઈ. ફરી કેયુરની જિંદગીમાં આવી તારો પ્રેમ નહોતો છીનવી લેવો. ત્યારથી હું અહીંયા જ છું એ આશાએ કે કદી તમે બંને અહી સાથે આવો અને મારી કુરબાની સફળ થાય!” “વાહ,મહાન દેવીઓ, પોતપોતાની ચાહતના ખેલમાં મને તો કઠપૂતળી બનાવી દીધો. ક્રિના, તું કદાચ ભૂલી ગઈ હતી કે કેયુરના શ્વાસ તો ક્રિના જ છે. તે કેમ માની લીધું કે આ દિલ તારા વગર અન્ય કોઈ માટે ધડકશે? અને સિયા,તંે તો દીવાનગીની હર હદ પાર કરી દીધી. મારા પ્રેમને છીનવી મારો સહારો બનવા પ્રયાસ કરતી રહી.”

અચાનક પોતાના પ્રેમને પોતાની નજરો સામે જાેઈ ક્રિનાની આંખો છલકાઈ ઊઠી.

“કેયુર, તારી ચાહત એટલી અસરકારક હતી કે કુદરતે પણ પોતાનો ફેંસલો બદલવો પડ્યો. તમને બંનેને એક કરી હું મારી ભુલનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. પ્લીઝ માફ કરી દો.” સિયા આંખમાં આંસુ સાથે બંનેને વળગી પડી. “કેયુર, હું કદી તને મૂકી ક્યાંય નહિ જાઉં. આપણો પ્રેમ જ હતો કે આપણે ફરી મળ્યા. આઇ લવ યુ સો મચ. તારી ક્રિનાને માફ નહિ કરે?” ક્રિના બોલી.

“હું તને ક્યાંય જવા પણ નહિ દઉં.વિલ યુ મેરી મી...” કેયુર બોલ્યો. ક્રિનાએ કેયુરના ગાલ પર એક હળવી કિસ આપી પોતાની સંમતિ આપી દીધી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution