વડોદરા, તા.૧૧
મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની ૧૫૯મી જન્મજયંતી નિમિત્તે કાલાઘોડા ખાતે મહારાજા સર સયાજીરાવની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વડોદરા એરપોર્ટને સર સયાજીરાવનું નામ આપવા માટે હિન્દ મરાઠા મહાસંઘ દ્વારા સહીઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં રાજવી પરિવાર સહિત અગ્રણીઓએ સહી કરી હતી, પરંતુ મહારાજાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ સંસ્થાના અગ્રણીઓએ સમર્થન માટે મેયરને સહી કરવાનું કહેતાં તેઓ સહી કર્યા સિવાય નીકળી જતાં સંસ્થાના અગ્રણીઓએ નારાજગી વ્યક્ત કરી હતી.
વડોદરા ખાતે નવું એરપોર્ટ બનાવવાની કામગીરી શરૂ થઈ છે. ત્યારથી એરપોર્ટને સર સયાજીરાવ ગાયકવાડ નામકરણ કરવાની માગ થઈ રહી છે. આ સંદર્ભે અનેક આંદોલન પણ થયાં છે, પરંતુ દીર્ઘદૃષ્ટા રાજવી સર સયાજીરાવે વડોદરા સહિત દેશમાં કરેલા કાર્યોની સ્તુતિ કરતાં નહીં થાકતા સત્તાધીશો હજુ વડોદરા એરપોર્ટને સર સયાજીરાવનું નામ આપવા સંદર્ભે કાંઈ કરી શક્યા નથી.
આજે સર સયાજીરાવ ગાયકવાડની ૧પ૯મી જન્મજયંતી પ્રસંગે કાલાઘોડા ખાતે મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ એરપોર્ટ સમિતિ અને હિન્દ મરાઠા મહાસંઘ દ્વારા વડોદરા એરપોર્ટને સર સયાજીરાવ નામકરણ કરવા સહીઝુંબેશ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. જેમાં રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડ અને મહારાજા સમરજિતસિંહ ગાયકવાડે આ અભિયાનને લેખિત સમર્થન આપ્યું હતું. ઉપરાંત કોંગ્રેસના અગ્રણીઓ તેમજ નગરજનો પણ મોટી સંખ્યામાં સહીઝુંબેશમાં જાેડાઈને સમર્થન આપ્યું હતું.
પરંતુ મહારાજા સર સયાજીરાવની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા આવેલા મેયર કેયુર રોકડિયાને અભિયાનને સમર્થન આપી સહી કરવા સંસ્થાના કાર્યકરોએ વિનંતી કરતાં તેઓ સહી કર્યા વગર નીકળી જતાં સંસ્થાના અગ્રણીઓએ દુઃખની લાગણી સાથે ઉપસ્થિત લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.