બનાવટી નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ બનાવનાર ટ્રાવેલ્સનો સંચાલક ઝડપાયો

વડોદરા : વિદેશ તેમજ રાજ્યની બહાર જતા લોકોના કોઈપણ પ્રકારના સેમ્પલ અથવા મેડિકલ ટેસ્ટ વગર નામાંકિત લેબોરેટરીના બનાવટી નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ તૈયાર કરી આપનાર ટ્રાવેલ્સ સંચાલકની છેતરપિંડીના આરોપ હેઠળ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ દરોડામાં આરોપીના ઘરેથી બનાવટી રિપોર્ટ બનાવવા ઉપયોગમાં લેવામાં આવતા ત્રણ મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર સિસ્ટમ મળી કુલ ૬૦ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કૃણાલ હરેશભાઇ પટેલ (રહે. સૂરજપાર્ક સોસાયટી, માણેજા) એરોકેબ ટ્રાવેલ્સના નામથી ઓનલાઇન એજન્સી ચલાવે છે. તેની એજન્સીમાં વડોદરાથી મુંબઈ સહિત રાજ્યનું ઓનલાઇન ટ્રાવેલિંગ બુકિંગ થાય છે. વિદેશ કે રાજ્યની બહાર જતા લોકોને આરટીપીસીઆર નેગેટિવ ટેસ્ટ રિપોર્ટની જરૂરિયાત હોય છે. જેથી

કૃણાલ પટેલ કોઈપણ વ્યક્તિના સેમ્પલ લીધા વગર બારોબાર ડુપ્લિકેટ રિપોર્ટ કાર્ડ બનાવી આપે છે અને લોકો પાસેથી આરટીપીસીઆર ટેસ્ટની એક હજાર રૂપિયાની ફી વસૂલે છે. જે માહિતીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલતાં આરોપીએ નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટની પીડીએફ ફાઇલ બનાવી આપી હતી. જેમાં પેથોકેર પેથોલોજી લેબોરેટરીનો ઉલ્લેખ હતો. જેથી પોલીસ લેબોરેટરીમાં તપાસ અર્થે પહોંચતાં જાણવા મળ્યું હતું કે આવો કોઈ રિપોર્ટ લેબોરેટરીમાંથી આપ્યો નથી. તેથી પોલીસે બનાવટી રિપોર્ટની તપાસ કરતાં તેનો ઓરિજિનલ રિપોર્ટ ૩ મે ના રોજ સોમન મેકવાનના નામનો કારેલીબાગ સેન્ટરનો હોવાનું તેમજ લેબના નામનો ખોટો દુરુપયોગ કરી રિપોર્ટ બનાવ્યો હોવાની વિગતો સપાટી પર આવી હતી. પોલીસે આરોપીને તેના ઘરેથી ઝડપી પાડી તલાશી લેતાં આરોપીના મોબાઇલ ફોનમાંથી પોઝિટિવ અને નેગેટિવ બનાવટી આરટીપીસીઆર રિપોર્ટની પીડીએફ ફાઈલો મળી આવી હતી. પોલીસની ઘનિષ્ઠ પૂછપરછમાં આરોપી પોતે જ કોમ્પ્યુટર દ્વારા પીડીએફમાં સુધારા-વધારા કરી તારીખ, આઇડી વગેરેમાં ફેરફાર કરી નેગેટિવ રિપોર્ટ બનાવતો હોવાની કબૂલાત કરી હતી. આ સંદર્ભે પેથોકેર પેથોલોજી લેબોરેટરીના સંચાલકે આરોપી

કૃણાલ પટેલ સામે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution