માણસે બનાવેલા પક્ષીએ સાચુકલાં ૪૦ પક્ષીઓને મારી નાખ્યાં

લેખકઃ સુરેશ મિશ્રા | 


મુંબઈમાં એક અતિ કરુણ ઘટના બની છે.જાે આ ઘટના માણસો સાથે ઘટી હોત તો આખા દેશમાં હાહાકાર મચી ગયો હોત. સત્તા પક્ષો અને વિપક્ષોએ શેરીઓ ગજવી નાખી હોત.પરંતુ આવું કશું જ નથી થયુ. હા,પ્રકૃતિ પ્રેમીઓના હૃદય અવશ્ય દ્રવી ગયા.પરંતુ તેઓ આ બાબતમાં વસવસો વ્યક્ત કરવા સિવાય બીજું કશું કરી શકે એમ નથી.

વિમાન એટલે માણસે બનાવેલું પક્ષી અને પક્ષી એટલે પ્રકૃતિએ બનાવેલો જીવ જે ઉડે છે.એવું કહેવાય છે કે રામાયણના પુષ્પક વિમાનથી લઈને રાઈટ બ્રધર્સના પહેલા અને સાવ નબળા હવાઈ યંત્રની શોધ સુધી,પક્ષીઓની જેમ આકાશમાં ઉડવાની ઝંખના જવાબદાર છે. વિમાનોની શોધ અને વિશાળ સુપરસોનિક આવૃત્તિઓ પછી આકાશમાં પક્ષીઓના સામ્રાજ્યનો અંત આવ્યો છે. જેમનું આકાશ હતું એ પાંખાળા પક્ષીઓ બાપડા બિચારા થઈને સલામત રીતે ઉડવા માટે ફાંફાં મારે છે.

મુંબઈમાં રાત્રીના સમયે ઓછી ઊંચાઇએ ઉડી રહેલા બલ્કે નજીકની હવાઈ પટ્ટી પર ઉતરાણની તૈયારી કરી રહેલા વિમાન સાથે સુરખાબ એટલે કે ફ્લેમિંગોનું ટોળું અથડાતાં ૪૦ પક્ષીઓનું મરણ થયું.એમના શરીરના ચિથડે ચિથડા ઉડી ગયા.બર્ડ હિટની આવી ઘટનાઓ ક્યારેક મોટો વિમાની અકસ્માત સર્જે છે. જાે કે એક ચમત્કાર ગણાય એ રીતે આટલા મોટા બર્ડ હિટના બનાવમાં વિમાનને થોડું નુકશાન થયું, એ સિવાય તમામ મુસાફરોનો બચાવ થયો છે.વિમાનના ચાલકોનો પણ વાંક નથી કારણ કે પક્ષીઓનું ટોળું વિમાન સાથે અથડાયું છે.જાે કે માણસ અને તેની વિકાસભૂખ આડકતરી રીતે પક્ષીઓના આ ક્રૂર નિકંદન માટે અવશ્ય જવાબદાર છે.

વન્ય જીવો અને પશુપંખીઓ માટે કામ કરતી સંસ્થાઓ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ તેમના ભાગે પક્ષીઓના બેહાલ મૃતદેહો સિવાય બચાવની કોઈ કામગીરી આવી ન હતી.એમની ધારણા છે કે આ પંખીઓ રાતના અંધારામાં પ્રકાશ પ્રદૂષણને લીધે અથવા બાંધકામની પ્રવૃત્તિઓને લીધે માર્ગ ભૂલ્યા અને ઉતરતા વિમાન સાથે અથડાઈને જીવ ગુમાવ્યો.આ વિસ્તારની આસપાસ વેટ લેન્ડ આવેલા હોવાથી પક્ષીઓની અવર જવર રહે છે.બીજી તરફ વિમાનમથક નજીક હોવાથી ઉતરતા વિમાનો નીચાણ પર ઉડે છે.આ જગ્યાએ સુરખાબ વારંવાર આવી દુર્ઘટનાઓનો ભોગ બને છે એટલે આ ક્ષેત્ર તેમના માટે વૉટર લુ પુરવાર થઈ રહ્યો છે.

ઘટનાનો બોધપાઠ એ છે કે આખું આકાશ જેમની માલિકીનું છે એ પક્ષીઓ માટે ઉડવાનો સલામત હવાઈ રસ્તો માણસે રહેવા દીધો નથી.બીજું કે ચકાચૌંધ વીજ દીવાઓ અને રોશનીનો માનવનો શોખ પક્ષીઓને આંધળા બનાવી દે છે. પક્ષીઓ કુદરતી પ્રકાશમાં રાત્રે ઉડવા, દિશા શોધવા ટેવાયેલા હોય છે,પ્રકૃતિએ તેમને આ સૂઝ આપી છે. પરંતુ માણસે બાંધેલી ગગનચુંબી ઇમારતો અને પ્રકાશની ઝાઝકમાળ પક્ષીઓના કુદરતી દિશા શોધન કૌશલ્યને છીનવી લે છે.આ બાબતમાં વિજ્ઞાનીઓ,સંશોધકો અને વિકાસ આયોજકો એ વિચારવું પડશે.બાકી તો વાઘે માર્યો માનવી..એમાં શો ઇન્સાફ???

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution