ચહેરા પરની રેખાઓ કરચલી બની જશે, જ્યારે હાથની રેખાઓ નક્કર થઈ જશે

લેખકઃ ખ્યાતિ થાનકી


કરચલીઓ અને નક્કરપણું એટલે વૃદ્ધાવસ્થા તરફ ધકેલાતું જીવન... બુદ્ધ ભગવાન હોય કે સામાન્ય મનુષ્ય પોતાની જાતને વૃદ્ધત્વના વિચારોથી હંમેશાં દૂર જ રાખે છે. શા માટે?કોઈને વૃદ્ધ થવું ગમતું નથી, કેમ કે વૃદ્ધાવસ્થાના ફાયદા કરતાં ગેરફાયદા માનવીના મગજમાં અંધારાના ડરની જેમ બાળપણથી જ પેસી ગયા છે. વૃદ્ધ થઈ જવું એટલે લાચાર, અશક્ત, નકામું અને વધારાનાં થઈ જવાની આશંકા વ્યક્તિના જીવનને પણ ઉદાસ બનાવી દે છે.


યુવાની એટલે સક્રિયતા અને વૃદ્ધાવસ્થા એટલે નિષ્ક્રિયતા એવા જડ ચોકઠામાં વ્યાખ્યાયિત થઈ ગયેલા માનવજીવનને બહાર કાઢી કઈ રીતે શકાય? અથવા તો બહાર કાઢવું જાેઈએ? તે પ્રશ્નનો જવાબ શોધવા જ માણસે પોતાનો દૃષ્ટિકોણ બદલવો જરૂરી બની જાય છે. માનવજીવનનું સંપૂર્ણ વર્તુળ વૃદ્ધાવસ્થાથી જ પૂરું થાય છે.જેમ કંઈ અધૂરું મધુર ન બની શકે તેમ, અકુદરતી કે અકસ્માતે થતાં જીવનના અંત કરતાં કુદરતી ક્રમે આપણામાં પ્રવેશતી વૃદ્ધાવસ્થા અનેકગણી સારી હોય છે.


ઘોડિયામાં રમતા બાળકની નજર હંમેશાં મોટી થઈ ગયેલી માનવજાત તરફ જ મંડાયેલી હોય છે. નાના બાળકને ઝટ મોટું થઈ જવું છે, કેમકે મોટા થઈ જવાથી સ્વતંત્ર થઈ જવાય છે, ર્નિણયો લેવાની છૂટ મળી જાય છે. પરંતુ આ મોટા થઈ જવાની ઉતાવળ ૪૦ કે ૫૦ વર્ષે ફરીથી પૂરી થઈ જાય છે. મોટા થવા સાથે સાથે જવાબદારીઓ વધવા લાગે અને ફરીથી મન નાનું થઈ જવા ઇચ્છે છે અને ભૂતકાળમાં ખોવાયેલું મન ક્યારેય ભૂતકાળમાંથી બહાર આવી શકતું જ નથી

બસ, જરૂર છે તેના સ્વીકારની અને આવકારની. વૃદ્ધાવસ્થાને સ્વીકારી શકાય તે માટે આપણા મનના આંગણામાં તે લક્ષણોને સહજ ભાવે જગ્યા આપવી જાેઈએ. ધોળા વાળ કે શિથિલ થઈ જતાં અંગોની સંવેદનાને અનુભવવી એ પણ એક લહાવો જ છે. નિવૃત્તિની નિરાંત બધાંને જાેઈએ છે, પરંતુ નમેલું જીવન કોઈને સ્વીકાર્ય નથી. અરે! ફરીથી બાળક બની જવાનું છે. ભૂતકાળની વિસ્મૃતિ અને ભવિષ્યની ચિંતા વિનાનું જીવન તો નસીબદારને જ મળે છે. હાથની રેખાઓ ઊંડી અને નક્કર બની ગઈ છે તે વાત જ વ્યક્તિને શીખવે છે કે હવે જે છે તે બધું સ્થિર થઈ જવાનું છે .આપણે કોઈની સ્મૃતિમાં બસ આ જ સ્વરૂપે યાદ રહી જવાનાં છીએ અને આ જ સાચું પૂર્ણપણે ખિલેલું વ્યક્તિત્વ છે.


વૃદ્ધાવસ્થાને સ્વીકારી લઈએ એટલે મૃત્યુ પણ એક ઉત્સવ બની જાય છે. આમ તો મૃત્યુ કરતાં મૃત્યુની ચિંતા વ્યક્તિને વધારે વૃદ્ધ બનાવી દે છે. પરંતુ જાે એકવાર માણસના મનમાંથી મૃત્યુનો ડર નીકળી જાય તો પછી જીવનનો આનંદ તો કોઈપણ ક્ષણે ફરીથી ફૂટી શકે છે. અને વૃદ્ધાવસ્થાને સ્વીકારવાની સમજ ક્યારે આવી શકે? આપણે જ્યારે યુવાન હોઈએ ત્યારે ઢળતી વયને સ્વીકારીએ, એક જ ઘરમાં આપણે વયોવૃદ્ધ વ્યક્તિ સાથે નિઃસ્વાર્થભાવે આનંદથી રહી શકીએ ત્યારે તે સમય જ આપણને તે સમજ શીખવી શકે. જેવી રીતે વૃક્ષમાં પડેલા આંકાઓને કારણે તેની ઉંમર જાણી શકાય છે અથવા તો તે વૃક્ષ કેટલા તડકા-છાયા જાેઈ ચૂક્યું છે તે સમજી શકાય છે, તેવી જ રીતે કોઈપણ વયોવૃદ્ધ વ્યક્તિની આંખ નીચેના સળ અને શબ્દોનો જાદુ તેના અનુભવોની ચાડી ખાય છે. જેવાં સ્થળ, કાળ, વાતાવરણ અને સામાજિકતામાં વ્યક્તિનું જીવન પસાર થાય છે તેવા જ અનુભવો તેની પાસે હોય છે, તેવું જ જ્ઞાન તેમની પાસે હોય છે અને તેવી જ સમજની અપેક્ષા આપણે તેમની પાસે રાખી શકીએ છીએ. સમય બદલાય અને પેઢી બદલાય એટલે પરિવર્તન તો આવવાનું જ છે. જેવી રીતે વીતેલા સમયને અવગણી ન શકાય તેમ તે સમયમાં જીવેલા વ્યક્તિના વ્યક્તિત્વને પણ સાથે રાખીને જ ચાલવું જાેઈએ. તો ચાલો આ સુંદર રીતે પૂર્ણ થઈ જતા ચિત્રમાં નિવૃત્તિનો એક રંગ ઉમેરીને આવનારી પેઢી માટે એક હકારાત્મક ચિત્ર પૂરું કરીએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution