ગંગામાં તણાયેલા રાજકોટના ત્રણ પૈકી એકની ઋષિકેશમાં અંતિમ વિધિ કરાઇ

રાજકોટ, સોમવારે સાંજે ઋષિકેશમાં રાજકોટના પરિવારના ત્રણ સભ્યો ગંગા અને હેનવાલ નદીના સંગમ સ્થળ ફૂલચટ્ટી ખાતે નદીમાં તણાયા હતા. લક્ષ્મણઝુલા પોલીસ અને જળ પોલીસે તણાયેલા લોકોની શોધખોળ કરતા તે દિવસે જ ૫૨ વર્ષીય તરૂલતાબેન કારીયાનો મૃતદેહ મળ્યો હતો, જ્યારે તણાયેલા ૪૨ વર્ષીય અનિલભાઈ ગોસાઈ, અને તેના ૧૮ વર્ષીય દીકરી સોનલ ગોસાઈનો હજુ સુધી કોઈ પત્તો નથી. સોનલ તરુલતાબેનના દોહીત્રી છે.

 અનિલભાઈ જમાઈ છે. આ તરફ ઋષિકેશમાં જ તરૂલતાબેનની અંતિમ વિધિ કરવામાં આવી હોવાની જાણવા મળે છે.પ્રેસ કોલોનીમાં રહેતા સ્પીપાના રેવન્યુ કર્મચારી દિલીપભાઈ કારીયા તેમના પત્ની તરૂલતાબેન, જમાઈ અનિલભાઈ અને દોહિત્રી સોનલ સહિત પરિવારના પાંચ સભ્યો ઉત્તરાખંડ તીર્થયાત્રાએ ગયા હતા. જ્યાં સોમવારે ગંગામાં ન્હાવા સમયે દીકરી સોનલનો પગ લપસતા તે ગંગાના વ્હેણમાં તણાતા નાની તરૂલતાબેન બચાવવા જતા તેઓ પણ તણાયા હતા. તેમને બચાવવા જતા અનિલભાઈ પણ ગંગાના વ્હેણમાં ડૂબી ગયા હતા. અનિલભાઈ રીક્ષા ચલાવે છે, અને રાજકોટમાં મોરબી હાઉસ પાસે રહે છે. ઉપરાંત દીકરી સોનલ અભ્યાસ કરે છે. એનડીઆરએફની ટીમ આજે સતત ત્રીજા દિવસે અનિલભાઈ અને સોનલની શોધખોળ કરી રહી છે. દિલીપભાઈ સ્પીપાના કર્મચારી છે. તેમન્ના પ્રથમ પત્નીનું થોડા સમય પહેલા અવસાન થતા તરૂલત્તાબેન કે જે બાવાજી જ્ઞાતિના છે તેની સાથે બીજા લગ્ન કર્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution