હાઈકોર્ટેના બોગસ ઓર્ડરથી જમીન કૌભાંડ કરનાર ઝડપાયો
09, ઓગ્સ્ટ 2024

અમદાવાદ અત્યાર સુધી ઠગાઈના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં હાઈકોર્ટમાંથી જામીન મેળવવા માટે બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હોય અથવા તો આરોપીને મૃત બતાવવા માટે મૃત્યુનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હોય પરંતુ હવે અમુક ભેજાબાજ ઠગાઈ કરવામાં એટલી હદે આગળ વધી ગયા છે કે ગુજરાત હાઈકોર્ટના હુકમની જ બોગસ કોપી બનાવી નાખી છે. આ ઘટના અમદાવાદમાં બની છે, જેમાં હાઈકોર્ટમાં ચાલતી પીટીશન અંગે હાઈકોર્ટે કેસ ડિસમિસ કરી નાખ્યો હોય તેવો બોગસ ઓર્ડર બનાવવામાં આવ્યો અને જમીન કૌભાંડ કરાયું. જાેકે અંતે ભાંડો ફુટતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે એક સરકારી અધિકારીની ધરપકડ કરી છે. સોલા પોલીસે કલોલ પોસ્ટ ઓફિસમાં ઓડિટ વિભાગમાં ઓડિટર તરીકે ફરજ બજાવતા મહેશ પટેલની ઠગાઈના ગુનામાં ધરપકડ કરી છે. હાલમાં જ સોલા પોલીસ સ્ટેશનમાં નારણપુરાના જયેશ પ્રજાપતિ નામનાં વેપારીએ એક ફરિયાદ નોંધાવી હતી, જેમાં ફરિયાદીની છારોડી ઘાટલોડિયા ખાતે આવેલી જમીન બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ થઈ હતી. જેમાં ખેડુતોએ આરોપી મનસુખ સાદરીયાને જમીન પાવર ઓફ એટર્ની કરી આપી હતી અને મહેશ પરમારે સાથે રહીને હાઈકોર્ટમાં પીટીશન ચાલુ હોવા છતાં ડીસમીસ થઈ ગઈ છે તેવુ બોગસ હુકમ બનાવ્યો હતો. મહેશ પરમારે બનાવેલો હાઈકોર્ટનો બોગસ હુકમ મનસુખ સાદરીયાને આપતા તેણે જમીનનો પાવર ઓફ એટર્નીના આધારે પોતાના નામે વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. આરોપી મહેશ પરમારે હાઈકોર્ટનો બોગસ હુકમ હોવાનું જાણવા છતાં સોલાના મહેસુલ ભવનમાં રજૂ કરી સાચા તરીકેનું દર્શાવ્યું હતું. તેમજ હુકમમાં ખોટી સહિઓ કરીને ગુજરાત હાઈકોર્ટના ખોટા સિક્કાઓ મારીને ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. આ અંગે જાણ સોલા પોલીસને થતા પોલીસે છેતરપીંડીનો ગુનો દાખલ કરી મહેશ પરમારની ધરપકડ કરી છે.આ ગુનામાં ઝડપાયેલો આરોપી પોતે સરકારી અધિકારી હોવાથી કાયદાથી જાણકાર હતો, તેણે સાથે રહીને કરોડો રૂપિયાની જમીનનો કબ્જે અન્ય આરોપીને અપાવવામાં મદદગારી કરી તેમજ ગુજરાત હાઈકોર્ટના બનાવટી હુકમ બનાવવાનું કૃત્ય કર્યું હતું. હાલ તો સોલા પોલીસે પકડાયેલા આરોપીની વધુ પુછપરછ કરી ફરાર મનસુખ સાદરીયાની શોધખોળ હાથ ધરી છે. તેમજ આ ગુનામાં અન્ય કોણ કોણ સામેલ છે, તેમજ બનાવટી હુકમ કોણે બનાવ્યો અને સિક્કા ક્યાંથી મળ્યા તે અંગે તપાસ હાથ ધરી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution