ગાંધીનગર-
ગુજરાત વિધાનસભામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર થાય તે પહેલાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કડક નિયમો કરીને કડક કાયદા બનાવી રહી છે. ગુંડાઓ લેન્ડ કરે તો ગમે તેવી જમીનોના દસ્તાવેજો કરી નાખે છે અને જમીન પર પોતાના હક જમાવે છે તેમના પર કાર્યવાહી કરવા માટે આ બિલ વિધાનસભામાં લાવવામાં આવ્યું છે. ગઇકાલે પણ ગુંડા એક્ટ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું પરંતુ દુઃખ એ વાતનું થાય છે કે કોંગ્રેસ ગુંડાઓને પ્રોત્સાહન આપવા માગે છે જેથી વિધાનસભાગૃહમાં ગુંડા એક્ટનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો, જ્યારે લેન્ડ ગ્રેબિંગથી સામાન્ય માણસ અને ખેડૂત હતો ન હતો થઈ જાય છે જમીન તેમના હાથમાંથી જતી રહે છે, તેનો વિરોધ કરવો એ યોગ્ય નથી. આ ગાંધીનું ગુજરાત છે લુખ્ખાગીરી ગુંડાગીરી ન થાય તે માટે જ રાજ્ય સરકાર જમીન સુધારણા બિલ લાવી છે.
ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન એકટમાં રાજ્યમાં સરકારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કે જાહેર ટ્રસ્ટ ધર્મસ્થાનકો ખેડૂતો કે ખાનગી વ્યક્તિની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડકાઈથી કામ લેવા એક્ટ પસાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્વો તેમ જ વ્યક્તિગત રીતે તેમાં હિત ધરાવતા તત્વો દ્વારા પરિસ્થિતિનો લાભ લઈને અને રાતોરાત આર્થિક ઉપાર્જન કરી લેવાના બદલે ઇરાદા સાથે ગેરકાયદે પ્રવૃત્તિ હાથ ધરી રાજ્ય સરકારની માલિકીની કે સ્થાનિક સત્તામંડળની માલિકીની જમીનનો બળજબરીથી ગુનાહિત ધાકધમકીથી કે છેતરપિંડીથી બનાવટી દસ્તાવેજો ઉભા કરીને પ્રત્યક્ષ કબજો કે માલિકી હક ન હોય છતાં ગેરકાયદે કબજો જમાવી અને કેટલાક કિસ્સામાં વહીવટીતંત્ર સાથે મેળાપીપણું આચરી આવી જમીન પચાવી પાડી અન્યના નામે તબદીલ કરાવી વેચાણ કરાવી તેમ જ ભાડે આપવાની ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેવી ઘટનામાં આ એક ખૂબ જ મહત્વનો એક્ટ સાબિત થશે.કેવી છે સજાની જોગવાઈઆ કાયદાની જોગવાઈથી માત્ર સરકારી કે સ્થાનિક સત્તામંડળની માલિકીની જમીન જ નહીં પરંતુ ધાર્મિક સખાવતી સંસ્થા અથવા કે ખાનગી વ્યક્તિની જમીનના કાયદેસરના ભાડુઆતો ન હોય અને ભોગવટો ચાલુ રાખે તો તેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓ પણ આ કાયદા હેઠળ ગુનેગાર બનશે અને દોષિત ઠરેથી ઓછામાં ઓછી 10વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની કેદ તેમ જ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે. આ કાયદા હેઠળના ગુનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષકના દરજજાથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી દ્વારા જ તપાસ થશે.વિધાનસભા સભાગૃહમાં કાયદો પસાર થાય તે પહેલાં જ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પક્ષને આડેહાથે લીધો હતો અને જો કોંગ્રેસ આ એક્ટનો વિરોધ કરે તો તેઓ સામાન્ય માણસને ખેડૂતોનો વિરોધ કરી રહ્યાં હોવાની વાત પણ સીએમ વિજય રૂપાણીએ કરી હતી.