અનંતતાનો આનંદ

નામ એને તું મરણનું આપ કે સપનું કહે,

પાંપણો બિડાય છે તેનાથી આગળ છે કશું.

– અશરફ ડબાવાલા

દરેક માનવી ખુશીઓનો શબ્દકોશ જલદી વાંચી લે છે અને ઉદાસીના શબ્દકોશમાં અકળામણ અનુભવે છે.

માનવીના જન્મથી માંડીને તેના ઉછેરના થોડાંક જ વર્ષોમાં માનવીના મનમાં એવી વિચારોની કેમેસ્ટ્રી સ્થિર થઈ જાય છે કે સુખ અને દુઃખ, આનંદ અને ઉદાસી, પૂનમ અને અમાસ, ભરતી અને ઓટ આ બંનેના સંગમથી જ જીવન બની શકે છે નહીંતર નહીં. પરંતુ આ બંનેને અનંતતાની દૃષ્ટિએ વિચારીએ તો સુખ પણ ક્યારેય પૂરું થતું નથી અને દુઃખ પણ ક્યારેય પૂરું થતું નથી. ઈશ્વરે માણસના મનની જેમ તેનો ખોબો નાનો બનાવ્યો છે એટલે કાં તો સુખ રહી શકે છે અથવા તો દુઃખ. પરંતુ ખોબલામાં બંધાયેલા હાથ જાે પહોળા કરી દેવામાં આવે તો ગમે તેટલાં સુખ કે દુઃખ માનવીના વિશાળ ઉરમાં સમાઈ શકે છે.

અઢારમી સદીમાં થયેલા મહાન વિજ્ઞાની, સારા કવિ અને ફિલૉસૉફર ટેસ્લાના મતે ‘જાે તમારે બ્રહ્માંડનાં રહસ્યો સમજવાં હોય તો ઊર્જા, તરંગો અને સ્પંદનોના દૃષ્ટિકોણથી વિચારો.’ આ બધું ફક્ત જ્ઞાનના એક ભાગરૂપે નથી પરંતુ આપણા જીવનના કણકણમાં વણાયેલી વાસ્તવિકતા છે. આપણા વિચારો ફક્ત જન્મથી શરૂ થાય છે અને મૃત્યુ પર આવીને અટકી જાય છે, પરંતુ તેનાથી આગળ પણ કશુંક હોય છે. અહીં જન્મજન્માંતરના ફેરા કે પછી કર્મનાં બંધન વિશેની ચર્ચા નથી. માનવજીવન સાથે જાેડાયેલી સ્પંદનોની એવી શૃંખલા છે કે જેની જાણ માણસને હોય કે ન હોય, પરંતુ માણસની અંદર સતત વહેતી રહે છે.

જીવનનું સૌથી મોટું રહસ્ય એટલે જીવનની અનંતતા... જીવન એટલે જન્મ અને મૃત્યુ વચ્ચે મસમોટા ફલકમાં ઝૂલતી માનવીની સફર પરંતુ સમગ્ર બ્રહ્માંડના સંદર્ભમાં જાેઈએ તો આપણું જીવન તો ઊર્જાના પરપોટા જેવું છે. અને પરપોટા જેવા જીવનને માણી લેવું જાેઈએ. તેના ફૂટી જવાના ડરમાં આપણે પરપોટાને અડકતા પણ ડરીએ છીએ, જ્યારે વાસ્તવિકતા એ છે કે પરપોટાનું જીવન ક્ષણભર જ છે તે પૂરું થવાનું હશે ત્યારે પરપોટો ફૂટી જ જવાનો છે. આપણે સ્પશ્ર્યા છે કે નહીં તેની રાહ જાેવાનું નથી.

કફન રૂપે નવો પોશાક પહેરે છે બધા ‘બેફામ’,

મરણ પણ જિંદગીનો આખરી, તહેવાર લાગે છે.

આ પરપોટા જેવા જીવનને કેમ ઊજવી શકાય? તો કહી શકાય કે ભૂતકાળ અને ભવિષ્યની ચિંતા કર્યા વિના વર્તમાનમાં જીવીને. આપણે જ્યારે ખુશ હોઈએ છીએ ત્યારે તો કંઈ વિચારવાની જરૂર જ પડતી નથી, કારણ કે આપણા હૃદયને તે ભાવ ગમે છે એટલે આપણે અનંત રીતે તેમાં વહ્યાં કરીએ છીએ. પરંતુ જ્યારે ઉદાસીનાં વાદળો ઘેરાવાં લાગે ત્યારે આપણે અટકીને તેનાથી આગળ પણ કશુંક હશે તે શક્યતાનો વિચાર કરવાનો છે. દરેક વાત કે વિચાર બે શક્યતા લઈને જ જન્મે છે અને આપણાં સ્પંદનોને પૉઝિટિવ વેમાં આપણે વાળી શકીએ છીએ. આપણા વિચારોને પણ હકારાત્મક રીતે વાળવા માટે ખાસ પ્રયત્નો કરવાના નથી. બસ સ્થિર થઈને આગળના જીવનને માણવાનું છે. ક્યારેક સંબંધોનું તો ક્યારેક વિચારોનું પાણી ડહોળાઈ જાય ત્યારે તેને ચોખ્ખું કરવાના પ્રયત્ન કરવાના નથી, બસ તેની સામે એકીટશે જાેઈને તેના સ્થિર થવાની રાહ જાેવાની છે. ન ગમતી બાબતો આપોઆપ તળિયે વિસ્મૃતિમાં દટાઈ જશે અને ઉપર રહેશે ર્નિમળ ચોખ્ખું સુખ એટલે કે સંસ્મરણો.

સવારે નીકળ્યા’તા જે કુંવારી લાગણી લઈને,

એ લોકો સાંજ ઢળતામાં ઉદાસીને વરી આવ્યા.

આખા દિવસની સવાર પછી સાંજ આપણને ઉદાસ કરી મૂકે છે, પરંતુ સાંજ એ તો રાતનું હજુ બાળપણ છે... તારાઓથી ભરેલી આખી રાત હજી ઊજવવાની બાકી છે. કોલાહલથી કંટાળેલો માણસ શાંતિની શોધમાં ફર્યા કરે છે, પરંતુ ધમાલની જ કમાલ શાંતિ આપે છે. ચોપાસ દુઃખની અનુભૂતિ થતી હોય પરંતુ હૃદય તો સુખની જ પ્રતીક્ષા કરતું હોય તો હૃદયમાં સુખ પણ હાજર છે જ. પાંપણ બિડાવી ફક્ત મૃત્યુ માટે જરૂરી નથી, સપનાં જાેવાં માટે પણ તેનું બિડાવવું જરૂરી છે. શનિ-રવિનો આરામ સોમવારની સવારને ઉદાસ બનાવી નાખે ત્યારે આખા અઠવાડિયાનો થાક જ ખરા અર્થમાં રવિવારની મજા કરાવશે, તે વાત આપણા હૃદયને શીખતા આવડી જાય તો રવિવાર જેવો જ આનંદ કામની વ્યસ્તતામાં પણ મેળવી શકાય છે. બ્રહ્માંડની અનંતતા જેવી જ અનંતતા આપણા વિચારોની પણ છે, બસ તેને ખુલ્લું આકાશ દેવાની જરૂર છે..

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution