ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર ટેક્સ મુદ્દે નવેમ્બરમાં યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાશે


જીએસટી કાઉન્સિલે વિવિધ હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ પર જીએસટી દર અંગે ર્નિણય લેવા અને ૩૦ ઓક્ટોબર સુધી રિપોર્ટ રજૂ કરવા માટે ૧૩ મંત્રીસમૂહની (જીઓએમ)ની રચના કરી છે. જેમાં બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી મંત્રી સમૂહના સંયોજક છે. આ સમૂહના સભ્યોમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ, ગોવા, ગુજરાત, મેઘાલય, પંજાબ, તમિલનાડુ અને તેલંગાણાના સભ્ય સામેલ છે.

નવ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી જીએસટી કાઉન્સિલની ૫૪મી બેઠકમાં લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પર જીએસટીના વર્તમાન ઢાંચામાં ફેરફાર કરવા તપાસ અને સમીક્ષા માટે એક મંત્રી સમૂહની રચના કરવા ર્નિણય લીધો હતો. ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર ટેક્સ મુદ્દે અંતિમ ર્નિણય નવેમ્બરમાં યોજનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ જીઓએમ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટના આધારે લેવામાં આવશે.

હાલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર ૧૮ ટકા જીએસટી લાગુ છે. પેનલના સંદર્ભની શરતોમાં વરિષ્ઠ નાગરિકો, મધ્યમ વર્ગ, માનસિક રીતે અસ્થિર વ્યક્તિઓ જેવી વિવિધ શ્રેણીઓ માટે પર્સનલ, ગ્રુપ, ફેમિલી, ફ્લોટર અને અન્ય હેલ્થ ઈન્સ્યોરન્સ પર પણ ટેક્સ વસૂલવામાં આવે છે. ટર્મ ઈન્સ્યોરન્સ, રોકાણ યોજનાઓ સાથે લાઈફ ઈન્સ્યોરન્સ અને રિઈન્સ્યોરન્સ સહિત લાઈફ ઈન્સ્યોરન્સ પર ટેક્સ ચૂકવવો પડે છે. ટેક્સનો બોજાે દૂર કરવો કે કેમ અને તેની અસરો પર જીઓએમ ચર્ચા કરી ૩૦ ઓક્ટોબર સુધી રિપોર્ટ રજૂ કરશે.

પશ્ચિમ બંગાળ સહિત અમુક વિપક્ષ શાસિત રાજ્યોએ હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ પર ટેક્સ સંપૂર્ણપણે હટાવવા માગ કરી છે. જ્યારે અન્ય રાજ્યોએ તેમાં ઘટાડો કરી ૫ ટકા કરવા ભલામણ કરી છે. પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પણ જુલાઈમાં આ મુદ્દે જીએસટી દૂર કરવાની સલાહ આપતાં નાણા મંત્રી ર્નિમલા સીતારમણને પત્ર લખી કહ્યું હતું કે, લાઈફ ઈન્સ્યોરન્સ પર જીએસટી વસૂલવો તે જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ લગાવવા સમાન છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution