મુંબઈ,તા.૨૦
ભારત સહિત સમગ્ર વિશ્વમાં અમીરોની સંખ્યા વધી રહી છે. હવે આ અતિ ધનાઢ્ય અબજાેપતિ પોતાના પર અને લક્ઝરી લાઇફસ્ટાઇલ પર પૈસા ખર્ચ કરવાથી પાછળ હટતા નથી. આ જ કારણ છે કે ભારતમાં પણ લક્ઝરી ટ્રાવેલમાં વધારો થઇ રહ્યો છે. બ્રેકિંગ બાઉન્ડ્રીઝ અને માસ્ટરકાર્ડ ઇકોનૉમિક્સ ઇન્સ્ટિટ્યૂટ (એમઇઆઇ) દ્વારા સંકલિત એક રિપોર્ટ અનુસાર ઇતિહાસમાં કોઇપણ સમયની તુલનામાં સૌથી વધુ ભારતીય આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી રહ્યા છે. મજબૂત અમેરિકન ડૉલર છતાં, ૨૦૧૯ની તુલનામાં જાપાનમાં ભારતીય મુસાફરોના આગમનમાં ૫૩%, વિયતનામમાં ૨૪૮% અને અમેરિકામાં ૫૯%ની વૃદ્ધિ જાેવા મળી છે. રિપોર્ટ અનુસાર, એમ્સ્ટર્ડમ, ત્યારબાદ સિંગાપુર, લંડન, ફ્રેન્કફર્ટ અને મેલબર્ન ટોચના પાંચ ટ્રેંડિંગ સ્થળો છે જ્યાં ભારતીય મુસાફરો આ ગરમી (જૂન-ઓગસ્ટ)માં જઇ રહ્યા છે. તે ઉપરાંત ભારતના લક્ઝરી ટ્રાવેલર્સ હવે વિદેશની યાત્રામાં મન ભરીને પૈસા પણ ખર્ચ કરી રહ્યા છે. એક ટ્રાવેલ એજન્સી અનુસાર ભારતના ધનાઢ્ય લોકો અને અતિ ધનાઢ્યોએ છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન સ્પોર્ટ્સ અને લેઝર ટૂરિઝમ પર ખર્ચ વધાર્યો છે, ત્યાં સુધી કે ભારતીય અમીરોએ લક્ઝરી ટ્રાવેલના મામલે એશિયાના અનેક દેશોને પાછળ છોડી દીધા છે. અનેક અમીર ભારતીયો એક ટ્રિપ પર ૨૫ થી ૩૦ લાખ રૂપિયા સુધી ખર્ચ કરી રહ્યા છે. જાે કે ભારતમાં અત્યારે પણ ટ્રાવેલ અને ટૂરિઝમને ત્રણ મુખ્ય કેટેગરીમાં વિભાજિત કરી શકાય છે. એક તો એવા સહેલાણીઓ જે દેશની અંદર ગોવા, મનાલી જેવા પર્યટન સ્થળો પર અથવા તો પુરી, બનારસ જેવા ધાર્મિક સ્થળોની યાત્રા કરવા જાય છે.
બીજા પર્યટકો એ કેટેગરીના છે જે ભૂટાન, નેપાળ, થાઇલેન્ડ અથવા દુબઇ અને સિંગાપોર જેવા સ્થળો પર ફરવા જવાનું પસંદ કરે છે. તે ઉપરાંત દેશમાં ત્રીજાે વર્ગ પણ ઝડપી ગતિએ ઉભરી રહ્યો છે જે સ્પોર્ટ્સ ટ્રાવેલિંગ, બાયો-હેકિંગ ટૂરિઝમ (જેમાં એન્ટિ એજિંગ પેકેજ, આઇસ બાથ અથવા સ્પા સામેલ છે) ઉપરાંત એડવેન્ચર ટૂરિઝમ જેવી યાત્રાઓમાં રૂચિ ધરાવે છે. ભારતના રમતના પ્રશંસકો હવે મોટા પાયે વિમ્બલડન અથવા ઓલિમ્પિક અથવા ક્રિકેટ મેચ જાેવા માટે બીજા દેશોમાં જાય છે. લોકો ટેલર સ્વિફ્ટની મ્યૂઝિક ટૂરમાં પણ નજરે પડી રહ્યા છે. હવે એવી અનેક કંપનીઓ છે જે ભારતીયોના રમત પ્રત્યેના જુસ્સાને સ્પોર્ટ્સ ટૂરિઝમ મારફતે વધારવા માટે પ્રયાસરત છે. આ કંપનીઓ પૂર્વ ખેલાડીઓને પણ પોતાની સાથે જાેડી રહી છે.
ગ્લોબલ લક્ઝરી બ્રાન્ડ પણ વીઆઇપી ભારતીય પર્યટકોની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે તત્પર છે. સંપન્ન ભારતીય યાત્રીઓ દ્વારા સ્પોર્ટ્સ અને અન્ય અનુભવો પર પૈસા ખર્ચવાના ટ્રેન્ડને ધ્યાનમાં રાખતા હવે પર્સનલાઇઝ્ડ લક્ઝરી ટૂર પ્રોગ્રામ પણ તૈયાર કરવામાં આવે છે જે પહેલા ક્યારેય થયું નથી. ભારતીયો દ્વારા આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં થયેલા આ ઉછાળા પર અનેક ગ્લોબલ હોસ્પિટાલિટી અને ફાઇન ડાઇનિંગ કંપનીઓ દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. આ કંપનીઓ આવા સમયમાં ભારતીયોના પર્યટન ખર્ચથી ફાયદો ઉઠાવવા માંગે છે.