ભથવાડા ટોલનાકા પર ટોલ કર્મીઓની વધતી જતી દાદાગીરીએ હવે ચરમસીમા વટાવી..... વાહન ચાલક સહિત બે વ્યક્તિને ટોલ કર્મચારીએ મારમાર્યો ભૂતકાળમાં બીએસએફ જવાનનું આઈ કાર્ડ ફેકી દઈ ટોલ કર્મચારીએ ઉદ્ધતાય કરી હતી


દેવગઢ બારીયા,તા.૨૫

છેલ્લા કેટલાય સમયથી ઝગડાળુ સ્વભાવ ધરાવતા મેનેજર તથા સ્ટાફ કર્મીઓને કારણે હંમેશા વિવાદમાં રહેલા દેવગઢબારિયા તાલુકાના પીપલોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ભથવાડા ટોલનાકા પર એક વાહન ધારક પાસે મંથલી પાસ હોવા છતાં વધુ ટેક્સની માંગણી કરતા મામલો બીચક્યો હતો. અને ટોલનાકાના મેનેજર તથા તેમના સ્ટાફના માણસોએ પોતાના ઝઘડાળુ સ્વભાવને છતો કરી વાહન ધારક સાથે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી પર ઉતરી આવી વાહન ધારક સહિત બે જણાને માર મારી ઇજાઓ પહોંચાડતા એકને તો વધુ સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવાની ફરજ પડતા મામલો પીપલોદ પોલીસ સ્ટેશને પહોંચ્યો તો જરૂર છે. અને ટોલનાકાના મેનેજર તથા તેમના સ્ટાફના માણસો સામે ગુનો પણ જરૂર નોંધાયો છે. પરંતુ ત્યારબાદ પોલીસે તેઓ વિરુદ્ધ કાયદેસરના પગલા લીધા કે નહીં તે હજી સુધી જાણવા મળ્યું નથી. વધુ ટેક્સની વસુલી બાબતે ભથવાડા ટોલનાકાના ઝઘડાળું સ્વભાવ ધરાવતા કર્મચારીઓ દ્વારા અગાઉ બીએસએફના જવાન પર તેમજ એક તબીબ ઉપર પણ હુમલો કર્યાના અહેવાલ છે. આવા અવારનવાર બનતા મારા મારીના બનાવોને કારણે આ ભથવાડા ટોલ નાકુ હંમેશા વિવાદમાં ઘેરાયેલું રહ્યું છે. જિલ્લામાં ભથવાડા તથા વરોડ એમ બે ટોલનાકા કાર્યરત છે. અને આ બંને ટોલનાકા કોઈને કોઈ બાબતે હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. તેમાંય વળી ભથવાડા ટોલનાકાના મેનેજર અને સ્ટાફ કર્મચારીઓની દાદાગીરી એ તો હવે ચરમ સીમા વટાવી હોવાની ઉગ્ર ચર્ચાઓ વચ્ચે આ ટોલનાકાના મેનેજર તથા કર્મચારીઓની લુખ્ખી દાદાગીરીની હાલમાં સામે આવેલી ઘટનામાં દેવગઢ બારીયા નગરમાં રેલ્વે સ્ટેશન સામે લાકડાના પીઠા નજીક રહેતા મહમદ નિશાર અબ્દુલ રહીમ ટુણીયા, તેનો દીકરો તથા ભત્રીજાે એમ ત્રણેય જણા બે ત્રણ દિવસ અગાઉ સવારના અગિયારેક વાગ્યાના સુમારે ભથવાડા ટોલનાકા પાસેથી પોતાની ફોરવીલ ગાડી લઈ ગોધરા જવા નીકળ્યા હતા. તે વખતે ટોલ ટેક્સના ચૂકવણા માટે તેઓએ તેમની ગાડી ભથવાડા ટોલનાકા ઉપર ઉભી રાખી હતી. તે વખતે ફરજ પરના ટોલ કર્મચારીએ ૩૫૦ રૂપિયા ટેક્સના ભરવા પડશે તેમ કહેતા મહમદ નિશાર ટુણીયાએ કહયુ હતું કે મારી ગાડીનો આગળનો કાચ તૂટી ગયેલ છે. મારી પાસે મંથલી પાસ છે. વિશ્વાસ ન હોય તો તમારી સિસ્ટમમાં જાેઈ લો. મહંમદ નિશાર ટુણીયાની વાત સાંભળી ફરજ પરનો ટોલ કર્મચારી એકદમ ઉશ્કેરાયો હતો. અને અમે તમારા નોકર નથી કે સિસ્ટમ જાેયા કરીએ તેમ કહી ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યો હતો. તેવામાં ટોલના કાના મેનેજર રાજેશ શર્મા પોતાના સ્ટાફના કર્મચારીઓને લઈ સ્થળ પર દોડી આવ્યા હતા અને મહંમદ નિશાર ટુણીયા તથા તેના ભત્રીજા જાવેદ અહેમદ અખ્તર ટુણીયા ઉપર ઓચિંતો હુમલો કરી ગડદાપાટુનો માર મારી શરીરે, હાથે- પગે તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ મામલે પીપલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. અને પોલીસે મારામારીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

-----------------------------------

ભથવાડા ટોલનાકા પર ટેક્સ વસૂલી માટેના કાટલા જુદા જુદા

હંમેશા કોઈને કોઈ કારણે વિવાદમાં રહેલા ભથવાડા ટોલનાકા પર ટેક્સ વસૂલી માટેના કાટલા જુદા જુદા હોવાની ચર્ચાઓ છે કેટલાકનું નામ પડતા તેના માટે ટેક્સ વસૂલ્યા વિના ગાડી કાઢવા ટોલ કર્મચારીઓ દ્વારા કુરનીશ બજાવી રસ્તો ખોલી આપવામાં આવતો હોવાની પંથકમાં ફેલાયેલી ચર્ચાઓ ટોલનાકાના મેનેજર તથા તેમના સ્ટાફ કર્મચારીઓની નૈતિક ફરજ સામે અનેક પ્રશ્નાર્થો ખડા કરી રહી છે. ત્યારે લાગતા વળગતા વિભાગ દ્વારા આવા ઝઘડાળુ ટોલ કર્મચારીઓ સામે જરૂરી પગલા લેવામાં આવે તેવી માંગદિન પ્રતિદિન બુલંદ બની રહી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution