લેખકઃ નરેશ અંતાણી |
રાજનેતાઓની મહત્વાકાંક્ષા, શાસકોના અહમ્ અને અધિકારીઓનો સ્વાર્થ એક નિર્દોષ અબળાનો કેવો ભોગ લે છે તેનો પુરાવો કચ્છના ઈતિહાસમાં જાેવા મળે છે. જાે કે આ ઘટનાને રાજવી પરિવાર પ્રેરિત ઈતિહાસમાંથી સિફતપૂર્વક દૂર કરવામાં આવી છે. બહુ ઓછી જાણિતી આ ઘટનાને અહીં નોંધવાનો ઉપક્રમ છે.
જૂનાગઢના ચિતાખાના ચોકના શાહી કબ્રસ્તાનમાં જૂનાગઢના નવાબો અને તેના પરિવારજનોના કબરોની સાથે એક કબર પરના રોજાે છત વગરનો અને અધૂરા બાંધકામવાળો ખંડેર દશામાં પડયો છે. આ મકબરો કચ્છના રાજકુંવરી રાવ રાયધણના પુત્રી, રાવ ભારમલજીના બહેન કેસરબાઈનો છે. આ અધૂરો રોજાે અનેક કારણોસર આપણું ધ્યાન ખેંચે છે. ભાઈના હિત માટે બલિદાન આપનાર એક બહેનના ત્યાગનું આ રોજાે પ્રતીક છે.
આ સમગ્ર ઘટનાની નોંધ કરીએ તે પહેલાં એ સમયે પ્રવર્તતા માહોલની થોડી વાત કરીએ તો, મધ્યયુગના રાજપૂત રાજાઓ પર એમની પુત્રીના લગ્ન કરવા માટે પાડોશના બળવાન મુસ્લિમ રાજાઓ દબાણ કરતાં. આથી એમાંથી બચવા માટે રાજપૂત રાજાઓએ એક મધ્યમાર્ગી અને વ્યવહારુ ઉકેલ શોધી કાઢયો હતો. આ રાજાઓ પોતાની એક મુસ્લિમ રખાત રાખતાં હતાં અને તેનાથી જન્મેલી પુત્રીને આ મુસ્લિમ રાજાઓ સાથે પરણાવી દેતાં હતાં. આ રીતે પણ કયારેક પુત્રી ન અવતરે તો કોઈની પુત્રીને દત્તક લઈ લેતાં. મુસ્લિમ રાજાઓને જાણ ન થાય એ રીતે આ દત્તકવિધિને ગુપ્ત રાખવામાં આવતી.
કચ્છના ઈતિહાસમાં પણ આવા કેટલાક દાખલાઓ નોંધાયા છે. મહારાવ લખપતના કાકાને ખુર્મર નામની રખાત હતી, તેની સૌંદર્યવાન પુત્રીની વાત કર્નલ વોકરે બ્રિટિશ ગવર્નર ડંકનને તા.૧૫.૩.૧૮૧૮ના લખેલા પત્રમાં કરી હોવાની નોંધ ડો. ઈશ્વરલાલ ઓઝાએ પોતાના પીએચ.ડી. માટેના મહાનિબંધમાં કરી છે. લખપતજી પાછળ સતી થનાર રખાતોમાં ત્રણ વિધર્મી પણ હતી. તો સિંધના શાસક ગુલામશાહ કલોરાને પણ કચ્છના જાડેજા ભાયાતની દતક લીધેલી મુસ્લિમ કન્યા પરણાવવામાં આવી હતી.
કચ્છના રાવ રાયધણજી (ઈ.સ.૧૭૭૮–૧૮૧૩) માત્ર ઈસ્લામપરસ્ત જ નહીં પણ ધર્મઝનૂની પણ બની ગયાં હતાં. આથી તેમને કેદ કરવામાં આવ્યા હતાં જે વાત કચ્છના ઈતિહાસમાં જાણીતી છે. તેમના કેદવાસ દરમ્યાન તેમના નાના ભાઈ પૃથ્વીરાજ ભાઈજી બાવાને આગળ કરી બારભાયા રાજની યોજના અમલી કરી તે રીતે કચ્છનું સંચાલન કર્યુ હતું. એ વાત પણ જાણીતી છે. રાવ રાયધણનું વિ.સં. કારતક સુદ ૧૩, ૧૮૭૦ના અવસાન થયું ત્યારે કચ્છની રાજગાદી પર બેસવા યાદવાસ્થળી સર્જાવા લાગી. રાયધણને માનસિંહ નામનો પુત્ર અને આ લેખનું પ્રમુખ પાત્ર કેસરબાઈ નામની પુત્રી હતી. માનસિંહે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હોવાથી તેને મહંમદ અથવા ગીગુભા તરીકે પણ ઓળખવામાં આવતો. આ બંને ભાઈ–બહેનોના જન્મ વિશે મતમતાંતર છે. કચ્છનો રાજય પ્રેરિત ઈતિહાસ માનસિંહ અને કેસરબાઈને સુરુબા સોઢી નામની રાણીના સંતાન હોવાનું કહે છે. જયારે હેમિલ્ટનને લખે છે તે મુજબ રાયધણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યા પછી તમામ રાજપૂત રાણીઓ સાથે પોતાના સંબંધો તોડી નાખ્યાં હતાં. વળી રાયધણની અગિયાર રાણીઓ પૈકી કોઈને પણ સંતાન નહોતું. રાવ રાયધણને જેઠી નામની એક સ્વરૂપવાન મુસ્લિમ રખાત હતી. માનસિંહ અને કેસરબાઈ બંને આ મુસ્લિમ રખાતના સંતાન હતાં.
કેસરબાઈ વ્યવહારદક્ષ, બુદ્ધિશાળી, ચતુર અને સુંદર હતી, તે પોતાના ભાઈ માનસિંહ(મહંમદ)ને કચ્છની ગાદી પર બેસાડવા ઈચ્છતી હતી અને આ માટે તેણે કચ્છના સેનાપતિ અને વહીવટદાર જમાદાર ફતેહમહમદના પુત્ર ઈબ્રાહીમ મિયાંને સાધી લીધો. આ ઈબ્રહિમ મિયાંએ યેનકેન પ્રકારે માનસિંહને કચ્છની ગાદી પર બેસાડી દીધો. માનસિંહ ભારમલ નામ ધારણ કરી કચ્છની ગાદી પર બેઠો. આ કાર્યમાં તેની બહેન કેસરબાઈની ચાલ સંપૂર્ણ સફળ થઈ. એટલું જ નહીં, પણ અંગ્રેજાે સાથેના સંઘર્ષને કારણે ભારમલજીના હાલ ખરાબ થયાં અને બ્રિટિશરોએ કૂટનીતિ વડે તેમને ભુજિયાની કોટડીમાં કેદ કર્યા ત્યારે પણ તેને આ કેદમાંથી છોડાવી સિંધ નસાડી દેવાનું કાવતરું પણ કેસરબાઈએ જ ઘડયું હતું.એક વાર તે તેમાં સફળ પણ થઈ હતી.પોતાના ભાઈ પ્રત્યે તેને આટલો ઉત્કટ પ્રેમ હતો.
કેસરબાઈ પોતાના ભાઈ માનસિંહ ઉર્ફે ભારમલ(મહંમદ)ની આ હાલત માટે દિવાન લક્ષ્મીદાસ કામદારને જવાબદાર લેખતી હતી, આથી લક્ષ્મીદાસ કામદાર કેસરબાઈને કોઈ પણ રીતે ભુજથી દૂર કરવાનો પ્રયત્ન કરવા લાગ્યાં. જયાં સુધી કેસરબાઈ ભુજમાં હોય ત્યાં સુધી કોઈ ભાયાત, અંગ્રેજ દરબારી કે કોઈની પણ તાકાત નહોતી કે કચ્છ તરફ કાંકરીચાળો કરે, ભાઈના શત્રુ માટે એકલી તે જ પુરતી હતી. આથી લક્ષ્મીદાસ કામદાર તેને કચ્છમાંથી કઈ રીતે બહાર કરી શકાય તેની તજવીજમાં રહેતાં. અંતે તેને સમજાવી-પટાવી જૂનાગઢના નવાબ બહાદરખાન સાથે લગ્ન કરવા રાજી કરી લેવામાં આવી. જમાદાર ફતેહમહમદના શાસન વખતે કેસરબાઈનું સગપણ જૂનાગઢના નવાબના પુત્ર સાથે કરાયું હતું. એ સમયે જૂનાગઢના નવાબ તરીકે હામદખાન હતો, તેનું અવસાન થતાં આ લગ્ન તે સમયે લઈ શકાયા નહોતાં. આ પછી ખૂબ જ લાંબા વિરામ પછી લક્ષ્મીદાસ કામદારની ચકોર નજરને આ સગપણ યાદ આવ્યાં આથી તેણે આ જૂનો સંબંધ તાજાે કરી સગપણ સમયના શાહજાદા અને પછીથી જુનાગઢના નવાબ બનેલા બહાદરખાનને આ લગ્ન કરવા રાજી કર્યા. સૌરાષ્ટ્રના જાણીતા ઈતિહાસકાર શંભુપ્રસાદભાઈ દેસાઈ આ લગ્નની પુષ્ટિ તો કરે છે પણ તેમાં તેઓ લખે છે કે, સુંદરજી શિવજી સોદાગરના પ્રયાસોથી કચ્છના રાવ ભારમલજીની મુસ્લિમ રખાતની પુત્રી કેસરબાઈના લગ્ન ઈ.સ. ૧૮ર૦માં નવાબ બહાદરખાન સાથે થયાં હતા. શંભુપ્રસાદભાઈએ કેસરબાઈને ભારમલજીની બહેનને બદલે પુત્રી લેખાવી છે.
આમ, અંતે એક શતરંજના મહોરા તરીકે કેસરબાઈને પરણાવીને જૂનાગઢ મોકલી આપી કચ્છના તત્કાલીન વહિવટદારોએ પોતાના માટે મેદાન મોકળું કરી લીધું હતું. જાે કે કેસરબાઈના મનમાં તો સદૈવ કચ્છ અને પોતાના ભાઈના કલ્યાણની વાતો જ રમતી, પરિણામે તે જૂનાગઢના એ વાતાવરણમાં તે ગોઠવાઈ શકી નહીં. કેસરબાઈને જૂનાગઢનું જનાનખાનું પણ અનુકૂળ ન આવ્યું. પોતે બુદ્ધિશાળી અને ચકોર હતી તેથી તેને એ સમજતાં વાર ન લાગી કે તેને જે પ્રલોભનો અને જે સ્વપ્નો બતાવાયા હતાં તે રણમાં દેખાતાં પાણી જ હતાં. પરિણામે ડો. ઓઝા જેમ્સ બર્ન્સનો હવાલો આપીને નોંધે છે એ પ્રમાણે કેસરબાઈનું મૃત્યુ જુનાગઢના દરબારમાં શંકાસ્પદ રીતે થયું હતું. કેસરબાઈનું મૃત્યુ ઈ.સ. ૧૮ર૪માં થયું હતું અને એ પછી પાંચ વર્ષે જેમ્સ બન્સે કચ્છમાં સાંભળેલી વાતો પરથી લખ્યું છે કે કેસરબાઈની મોજડીમાં ઝેર ભરી તેની મારી નાખવામાં આવી હતી. કેસરબાઈના મૃત્યુના સમાચાર ભુજમાં પહોંચતાં રાવ ભારમલ અત્યંત શોકમાં ગરકાવ થઈ ગયાં. તેમણે બહેન અને જૂનાગઢની બેગમ કેસરબાઈનો મકબરો બનાવવા માટે કચ્છથી ખાસ કારીગરો મોકલ્યાં, પરંતુ જૂનાગઢના નવાબને કચ્છના મહારાવની આ ઈચ્છા પોતાના અપમાન સમી લાગી. આથી તેણે મકબરા પરના રોજાનું ચણતર કામ અધૂરું મૂકી બંધ કરાવી દીધું. કેસરબાઈનો રોજાે અધૂરો જ ચણાયો. આજે પણ જૂનાગઢના ચિતાખાના ચોકના કબ્રસ્તાનમાં કેસરબાઈનો રોજાે અધૂરો ખંડેર હાલતમાં છે.
Loading ...