કાબુલ-
અફઘાનિસ્તાન પર કબજાે કર્યા બાદ હવે તાલિબાનને ચારેય તરફથી ઝટકા મળવા લાગ્યાં છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડએ તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાનને તેના સંસાધનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તમને જણાવી દઈએ કે અગાઉ અમેરિકાએ ૭૦૬ અબજ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે આઈએમએફના ર્નિણય બાદ તાલિબાનના કબજા હેઠળનું અફઘાનિસ્તાન હવે આઇએમએફના સંસાધનોનો ઉપયોગ કરી શકશે નહીં. એટલું જ નહીં હવે તેને કોઇ નવી મદદ મળશે નહીં. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડએ ૪૬ મિલિયન ડોલર એટલે કે લગભગ ૩૪૧૬.૪૩ કરોડ રૂપિયાના ઈમરજન્સી રિઝર્વમાં અફઘાનિસ્તાનની પહોંચને બ્લોક કરવાની જાહેરાત કરી છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) સમક્ષ મંગળવારે અમેરિકાએ સેન્ટ્રલ બેંક ઓફ અફઘાનિસ્તાનની સંપત્તિ સ્થિર કરી દીધી હતી, જેની કિંમત આશરે ૯.૫ અબજ ડોલર અથવા આશરે ૭૦૬ અબજ રૂપિયા છે. એટલું જ નહીં, અમેરિકાએ અફઘાનિસ્તાનને રોકડનો પુરવઠો પણ બંધ કરી દીધો છે જેથી દેશના પૈસા તાલિબાનના હાથમાં ન જાય. આવી સ્થિતિમાં તાલિબાન ભલે બંદૂકના જાેરે ૨૦ વર્ષ પછી અફઘાનિસ્તાનમાં પાછો ફર્યો હોય, પરંતુ આ હોવા છતાં તાલિબાન સાવ કંગાળ બનીને રહી જશે.