ભયની ભયાનકતા

સામાન્યતઃ આપણા સમાજમાં બાળકનો જન્મ થતાં તેનું નામ ફોઈ પાડતાં હોય છે. કેટલીકવાર બાળકનું નામ હોય તેના કરતાં ઊલટા જ ગુણો તેનામાં દેખાય છે. નામ હોય ડાહ્યાભાઈ અને લક્ષણો હોય ગાંડાનાં, નામ હોય લક્ષ્મીપતિ અને ઘરમાં ખાલી વાસણો ખખડતાં હોય.

આપણા હિંમતલાલના નામકરણમાં પણ તેમનાં ફોઈ થાપ ખાઈ ગયાં હતાં. હિંમતલાલ સ્વભાવે ડરપોક હતા, પણ દેખાવ વીરપુરુષ જેવો કરતા. પ્રાયઃ બધા જ લોકો તેમનામાં જે સદ્‌ગુણ અલ્પ હોય તેને વધારે દર્શાવવાનો પ્રયત્ન કરે છે.

એકવાર તેઓ તેમની સાસરીમાં ગયા હતા ત્યાં ડાયરો જામ્યો હતો. બધા અલકમલકની વાતો કરતા હતાં. બીજાઓને પ્રભાવિત કરવાના હેતુથી હિંમતલાલે પોતે એક ગાયને દીપડાના પંજામાંથી કેવી રીતે છોડાવી હતી તે અંગેની ઉપજાવી કાઢેલી વાત કહી સંભળાવી.

તેમની બહાદુરીભરેલી વાત સાંભળી એક યુવાને હિંમતલાલને કહ્યું, “દાદા, અમારા ગામની સીમમાં આવેલા પીપળાના ઝાડમાં ભૂત વસે છે તેથી રાત્રે ત્યાં જવાની કોઈ હિંમત કરતું નથી. તમે રાત્રે ત્યાં જઈ આવો તો અમે તેમને વીરપુરુષ માનીએ.”

હિંમતલાલ ખરા સપડાઈ ગયાં. ના કહે તો સાસરીમાં આબરૂનું લિલામ થઈ જાય અને હા પાડે તોય મુસીબત! ભૂતના મહેમાન કેમ થવાય? પણ નાક રાખવા હિંમતલાલે હા પાડી દીધી. આજે રાત્રે હિંમતલાલ પીપળા પાસે જશે તેવું નક્કી થયું. ત્યાં જઈને આવ્યા છે કે કેમ તેની ખાતરી માટે યુવાનોએ એક યુક્તિ શોધી કાઢી. તેમણે હિંમતલાલને એક ખીલી અને હથોડી આપી કહ્યું. તમારે આ ખીલી રાત્રે પીપળાના ઝાડમાં ઠોકી આવવાની. સવારે અમને આ ખીલી થડમાં દેખાશે તો અમે તમને સાચા માનીશું.’

રાત્રિના બાર વાગતાં હિંમતલાલને કેટલાક યુવાનો ગામના પાદર સુધી મૂકવા આવ્યાં. હિંમતલાલની હાલત ખરાબ થઈ ગઈ હતી પણ જેમ તેમ કરતાં પીપળા પાસે આવી પહોંચ્યાં. ડરતાં ડરતાં ઝાડ પાસે બેસી તેના થડમાં ખીલી ઠોકવા માંડ્યા. હવે ડરમાં ને ડરમાં ખીલીની સાથે તેમના ધોતિયાનો છેડો પણ આવી ગયો. બે-ચાર હથોડીના ફટકા મારી હિંમતલાલ જલદીથી ઊભા પણ ભાગવા માંડ્યા. પણ તેમના ધોતિયાનો છેડો ખીલી સાથે ભેરવાયેલો હોવાથી તે આગળ વધી ન શક્યાં. તેમને લાગ્યું કે ‘નક્કી ભૂતે મારા ધોતિયાનો છેડો પકડ્યો છે. તેમણે બધું જાેર લગાવી ધોતિયું ખેંચ્યું, પણ તેમ કરવા જતાં તેઓ પડી ગયાં. તેમને લાગ્યું કે ભૂતે તેમને ધક્કો માર્યો છે. આમ ખૂબ ગભરાટમાં તેમનું હૃદય ત્યાં જ બંધ પડી ગયું અને તેઓ મૃત્યુ પામ્યાં.

આ ભયની ભૂતાવળ આપણા બધાંમાં એક યા બીજી રીતે રહેલી છે. અસલામતીનો ભય, રોગોનો ભય, આબરૂનો ભય, આવા ન જાણે કેટલાય ભયોથી આપણે ઘેરાઈને બેઠા છીએ. ભર્તૃહરિ વૈરાગ્યશતકમાં કહે છે, ‘ભોગમાં રોગનો ભય છે, કુળમાં લાંછનનો ભય છે, ધનમાં રાજાનો ભય છે, મૌનમાં દીનતાનો, બળમાં શત્રુનો, રૂપમાં વૃદ્ધાવસ્થાનો, શાસ્ત્રમાં વાદવિવાદ થવાનો (અને હારજીતનો) ભય છે, ગુણમાં દુર્જનનો અને શરીરમાં મૃત્યુનો ભય છે. આવી રીતે જગતમાં માણસો માટે સઘળી વસ્તુઓ ભયથી યુક્ત છે, માત્ર વૈરાગ્ય જ અભય છે.’

આ બધા ભય આપણને શાંતિનો શ્વાસ લેવા દેતા નથી. ભય વખતે માપણી સઘળી શક્તિઓ હણાઈ જાય છે. કંઈ સૂઝતું નથી, પરિણામે આપણે સાચો ર્નિણય લઈ શકતા નથી.

ભયની અસર શરીર અને મન, બંને પર બહુ ખરાબ થાય છે. ભય લાગતાં હૃદયના ધબકારા વધી જાય છે, પરસેવો વળવા માંડે છે, મુખ સુકાય છે. વધુ ભય લાગતાં બેહોશી આવે છે અને ક્યારેક હિંમતલાલ જેવી હાલત પણ થઈ જાય. આમ ભય તાત્કાલિક દૂર કરવા જેવું દૂષણ છે.

આપણા સંતોનાં જીવનચરિત્રો વાંચતા જણાશે કે ર્નિભયતા તેમનો મોટો ગુણ હતો. તેઓ જે કંઈ પ્રગતિ કરી શક્યા હતા તેમાં ર્નિભયતાનો બહુ મોટો ફાળો હતો. સ્વામી વિવેકાનંદ સિંહગર્જના કરતાં કહે છે, ‘ઉપનિષદોમાંથી શુધ્ધની માફક ઊતરી આવતો અને અજ્ઞાનના રાશિ ઉપર બૉમ્બગોળાની જેમ કટી પડતો એવો જાે કોઈ શબ્દ તમને જડી આવતો હોય તો તે શબ્દ છે 'અભય’. જગતને જાે કોઈ એક ધર્મનું શિક્ષણ આપવું હોય તો તે છે અભયધર્મનુ શિક્ષણ. શું આ સંસારના કે શું ધર્મના ક્ષેત્રમાં, એ સાચું છે કે ભય એ જ પાપ અને પતનનું અચૂક કારણ છે. ભયથી જ દુઃખ જન્મે છે, ભયથી જ મૃત્યુ આવી પડે છે અને ભયથી અનિષ્ટ ઊભું થાય છે.’

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution