વડોદરા,તા.૨૨
કોરોના કાળમાં વડોદરાની જનતાના સ્વાસ્થ્યની કાળજી રાખીને વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા કોવિડ-૧૯ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા શહેરની હોટલ રેસ્ટોરન્ટ આઈસક્રીમ પાર્લર ફરસાણ અને મીઠાઈની દુકાનો અને નાસ્તાની લારીઓ ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. અને તમામ સેન્ટરો ઉપરથી સેમ્પલ કબજે લઇ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. આરોગ્ય વિભાગે દરોડા પાડતાં ખાણીપીણીના વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.
વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કોવિડ ૧૯ અંતર્ગત શહેરની હોટલ ,રેસ્ટોરન્ટ, મીઠાઇ ફરસાણની દુકાનો તેમજ ચા નાસ્તાની લારીઓ વગેરેમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી ઇટ રાઈટ ચેલેન્જ પ્રોગ્રામ અંતર્ગત ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન કુલ ૪૨ સ્થળો ઉપર ચેકિંગ હાથ ધરી ૧૮૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે ૫ વેપારીને સ્વચ્છતા અંગે તથા એક વેપારીને રજીસ્ટ્રેશન બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત ઉનાળાની ઋતુની પણ શરૂઆત હોય આઈસક્રીમ પાર્લર ઉપરથી પણ ૨૯ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
વડોદરા મહાનગર પાલિકાની આરોગ્ય શાખાની ફૂડ સેફટી ઓફિસરો ની ટીમો દ્વારા છેલ્લા બે મહિનામાં ઇટ રાઈટ ચેલેન્જ પ્રોગ્રામ અંતર્ગત વડોદરા શહેરના મુજ મહુડા, હરણી રોડ, કીર્તિસ્તંભ, કારેલીબાગ, ફતેગંજ, ગોત્રી, માંજલપુર, આજવા રોડ, વાઘોડિયા રોડ વગેરે વિસ્તારમાં કુલ ૪૨ સ્પોર્ટ જેમ કે રેસ્ટોરન્ટ, હોટલ, મીઠાઇ ફરસાણની દુકાનો, ચા નાસ્તાની લારીઓ ઉપર ઝુંબેશ રૂપે ૧૮૦ થી વધુ ખાદ્ય પદાર્થોના સેમ્પલ જેવાકે મેંદો, આટો, પ્રીપેડ ફૂડ, મરી મસાલા, તેલ, ઘી, પનીર ,દૂધ વગેરે ખાદ્ય પદાર્થો ના નમુના પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલી આપ્યા હતા.