બનાસકાંઠા-
બનાસકાંઠા જિલ્લામાં અનેક વેપારીઓ ગ્રાહકો પાસેથી જીએસટીના નામે કાચા બિલ આપી વધુ રૂપિયા પડાવતા હોય છે, પરંતુ સરકારમાં પાકા બિલ બહુ જ ઓછા બતાવી વર્ષે કરોડો રૂપિયાની કરચોરી કરતાં હોય છે. આ બાબતે મહેસાણા સ્ટેટ જીએસટી વિભાગને બાતમી મળતા તેઓએ બનાસકાંઠા જિલ્લામાં જુદા જુદા ચાર સ્થળોએ ચાર ટિમ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આમાં ભાભરના નટવરલાલ જવેલર્સેના 5 લાખ, જગદીશ જવેલર્સમાંથી રૂ. 1.62 લાખ, પાલનપુરની શ્રીમુલ ડેરીમાંથી રૂ. 7 લાખ અને ડીસામાં ગોકુલ પાર્લરમાંથી રૂ. 40 હજાર એમ કુલ 14.02 લાખની રકમની કરચોરી ઝડપાઈ હતી. આ તમામ જવેલર્સ અને ડેરીના સંચાલકોએ અદ્ધરિયા બિલથી જ લાખો રૂપિયાના માલસામાનનો વ્યવહાર કર્યો હતો. આથી મહેસાણા સ્ટેટ જીએસટી વિભાગે ચારેય સંચાલકો સામે કરચોરીના ગુના સબબ દંડની રકમ વસૂલવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.