માળખાકીય ક્ષેત્રના વિકાસને કારણે સ્ટીલની આયાતમાં વધારો થયો


ચીન તથા વિયેતનામ ખાતેથી આવતા સ્ટીલમાંથી કેટલાક પ્રકારના સ્ટીલ પર એન્ટી ડમ્પિંગ ડયૂટી વધુ પાંચ વર્ષ લંબાવવામાં આવી છે. આડયૂટી ૨૦૧૯માં લાગુ કરવામાં આવી હતી જેને વધુ પાંચ વર્ષ લંબાવાઈ છે. સસ્તી આયાતને કારણે ઘરઆંગણેના સ્ટીલ ઉદ્યોગને માર પડી રહ્યો હતો. આયાત પર કાબુ લાવવા ચીન તથા વિયેતનામ ખાતેથી આવતા વેલ્ડેડ સ્ટેનલેસ સ્ટીલ પાઈપ્સ પર આગામી પાંચ વર્ષ સુધી ડયૂટી લાગુ રહેશે. ચીન વિશ્વનું સૌથી મોટું સ્ટીલ ઉત્પાદક છે. વિયેતનામ ખાતેથી આયાત થતાં કેટલાક સ્ટીલ પ્રોડકટસ પર ભારતે ઓગસ્ટમાં એન્ટી ડમ્પિંગ તપાસ શરૂ કરી હતી, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. દેશમાં સ્ટીલના ભાવ તાજેતરમાં ગબડીને ત્રણ કરતા વધુ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયા હતા. ઊંચી આયાતને પરિણામે સ્ટીલના ભાવ ઘટી ગયાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં અગાઉ જણાવાયું હતું. ગયા નાણાં વર્ષમાં ભારત સ્ટીલનો નેટ આયાતકાર રહ્યો હતો. સ્ટીલનો બીજાે મોટો ઉત્પાદક દેશ હોવા છતાં આયાતમાં વધારો જાેવા મળ્યો છે. માળખાકીય ક્ષેત્રના વિકાસને કારણે સ્ટીલની આયાતમાં વધારો થયો છે. નિકાસમાં ઘટાડો તથા આયાતમાં વધારાને કારણે સ્ટીલના ભાવ પર ઘરઆંગણે અસર પડી છે. ચીન સામેના વિરોધ છતાં, ત્યાંથી સ્ટીલની આયાતમાં ગયા નાણાં વર્ષમાં વધારો જાેવા મળ્યો હતો. ચીન તથા વિયેતનામ ખાતેથી સસ્તા સ્ટીલના ભારતમાં થતાં ડમ્પિંગની તપાસ હાથ ધરાઈ હતી. ગયા નાણાં વર્ષમાં ચીન ખાતેથી ફિનિશ્ડ સ્ટીલની આયાતમાં ૯૦ ટકા વધારો થઈ ૨૭ લાખ ટન રહી હતી. ૨૦૨૦માં ચીન તથા ભારતના સૈનિકો વચ્ચે ઘર્ષણ બાદ બન્ને દેશોના વેપાર સંબંધોમાં ઓટ આવી હતી. જાે કે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે ચીન સાથે વેપાર સંબંધો અટકાવી દેવાયા નહીં હોવાનું જણાવ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution