બીજા એક અહંકારનું સ્વરૂપ જાેવું હોય તો ક્રોધ સમયનો મનોભાવ જાેજાે. ક્રોધ આવવો તે જ અહંકારનું લક્ષણ છે. વળી તેવા સમયે બોલાતાં વાક્યો પણ અહંકાર જ વ્યક્ત કરે છે. ‘મને ગાળ દીધી?” ‘મારું અપમાન કર્યું?' 'તારાથી થાય તે કરી લે' વગેરે.
જયારે તમે કંઈક સારું કાર્ય કર્યું હોય પરંતુ તે કાર્યની કોઈ નોંધ ન લે તમને ‘ભાવ ન આપે’, ત્યારે તમારો અહંકાર કૂદાકૂદ કરવા માંડશે. છેવટે ગમે તે રીતે લોકોનું ધ્યાન તમારા કાર્ય પ્રત્યે જાય તેવો તમે નુસખો શોધી કાઢશો. આ અંગે એક રમૂજી દૃષ્ટાંત કહું.
એક માજીની આર્થિક સ્થિતિ નબળી હતી. તેમણે મહેનત કરીને થોડા પૈસા બચાવ્યા હતા. બીજી બહેનોના હાથ પર સોનાની બંગડીઓ જાેઈને માજીને પણ તેવી બંગડીઓ બનાવી પહેરવાનું મન થયું. તેમણે સોનીને ત્યાં જઈ સરસ મજાની બે બંગડીઓ બનાવડાવી અને હાથમાં પહેરી ફરવા લાગ્યાં. તેમને મનમાં થતું કે પાડોશીઓ બંગડી વિશે પૂછે તો કેવું સારું! પણ તેમના કમનસીબે કોઈ બંગડી વિશે પૂછતું જ નહીં. ઘણા દિવસો સુધી કોઈએ બંગડી વિશે ન પૂછ્યું, એટલે માજી અકળાયાં. આ અકળામણમાં તેમણે તેમનું ઝૂપડું બાળી નાખ્યું. બધાં દોડી આવ્યાં. અગ્નિના પ્રકાશમાં માજીની બંગડીઓ ચમકતી હતી. તેના પર એક બહેનની નજર પડતાં તેણે માજીને પૂછ્યું, ‘માજી, આ બંગડીઓ ક્યાં ઘડાવી? બહુ સરસ છે, હં!”
માજીના મુખમાંથી નિઃસાસો નીકળી ગયો, ‘અરે બહેન! તેં દસ મિનિટ પહેલાં પૂછ્યું હોત તો મારું ઝૂંપડું બચી જાત!” ભગવાનના ભક્તો તેમના સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે. તેઓ ભગવાનના સ્વરૂપને અતિ ચાહે છે. આ સ્વરૂપ સાથે જીવિત વ્યક્તિની જેમ વ્યવહાર કરે છે, વાતો પણ કરે છે. ભક્તોને લાગે છે કે ભગવાન તેમને ચાહે છે. હકીકતમાં ભક્ત ભગવાનનો સંબંધ આ ચાહનાને લીધે છે, પણ ગમે તે કારણસર જાે ભક્તને લાગે કે ભગવાન તેને ચાહતા નથી કે ભગવાન તેની માગણીઓ પૂરી કરતા નથી તો તેને ભગવાનને ચાહવાનું મને થતું નથી. આપણો સામાન્ય અનુભવ છે કે આપણા પર જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે ભગવાનને કરગરીએ છીએ. છતાં પણ જાે દુઃખ દૂર નથી થતું તો ભગવાનને ભાંડવા માંડીએ છીએ.
ભગવાન મને ચાહે છે કે નહીં?, મારાં દુઃખો, મને મદદ ન કરી, આ બધા ભાવો આપણામાં રમે છે જે અંહકારનો જ પરિપાક છે. આમ અહંકારની લીલા સર્વત્ર દેખાય છે.
કેટલાંક અહંકારનાં સ્વરૂપો એવાં હોય છે કે જે બીજાને હાનિ કરતાં નથી કે ખૂંચતાં નથી. આવા અહમ્ ને હું મૃદુ અહમ્ કહું છું. દા.ત. તમને તમારી કોઈક કૃતિ-પુસ્તકની રચના, કાવ્યરચના, સંગીતની તરજ કે અન્ય કૃતિ માટે ગાઢ પ્રેમ હોય, તેને જાેવાનું સાંભળવાનું તમને વારંવાર મન થતું હોય અને તેના દ્વારા તમે આનંદિત થતાં હોય(કદાચ બીજાને માટે એ રચનાનું કોઈ મહત્ત્વ ન હોય) તો આ મૃદુ અહંકાર છે. આ અહંકારથી કોઈને નુકસાન થતું નથી છતાં કે અહંકાર તો છે જ. કારણ કે તેમાં ‘મારું છે’ નો ભાવ રહેલો છે.
અહંકાર કંઈ મોટા માણસો કે શક્તિશાળી માણસોને જ આવતો હોય તેવું નથી. સામાન્યમાં સામાન્ય માણસ પણ અહંકારથી ઘેરાયેલો છે. તમે જાેશો કે સાહેબ કારકુનને ખખડાવશે તો કારકુન પટાવાળાને ખખડાવશે. પટાવાળો વળી ઝાડુવાળાને ખખડાવશે. પિતા તેના સાત વર્ષના બાળકને ઠપકારશે તો તે તેના પાંચ વર્ષના નાનાભાઈને ઠપકારશે અને ‘ચા કરતાં કીટલી ગરમ‘ એ મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર કરતાં કોન્સ્ટેબલ વધારે રુઆબ કરશે. આમ, બધા જ લાગ મળતાં તેનાથી ઓછી શક્તિવાળાને દબાવવા પ્રયત્ન કરે છે. આ બધાની પાછળ પેલો અહંકાર રહેલો છે.
'તથાગત' કહે છે કે ‘હું’થી ભરેલો માનવી પાગલ છે. તેનો બંગલો એક પાગલખાનું છે. તેને ૭૦-૮૦ વર્ષની જન્મટીપ મળી છે.’
એક વેશ્યા બજારમાંથી જઈ રહી હતી. કોઈક ગુંડાએ તેની છેડતી કરી. વેશ્યા મનમાં સમસમી રહી. પેલાએ આગળ વધી તેનો હાથ પકડ્યો. વેશ્યાએ ગુંડાના ગાલ પર એક તમાચો ચોડી કહ્યું,
“શું સમજે છે તું? હું કાંઈ એકદમ ચાલુ ઓરત નથી!” જાેયો અહંકાર? વેશ્યા વેશ્યા હોવા છતાં તેના મનમાં એટલો ગર્વ છે કે તે એટલી બધી ચાલુ નથી કે કોઈ રસ્તામાં તેની છેડતી કરે! પણ આ જ રીતે કોઈ તેના કોઠા પર કરે ત્યારે તે સામાન્ય વાત બની જાય.