અરવલ્લી,તા.૫
અયોધ્યામાં કરાયેલા રામ મંદિર નિર્માણના ભૂમિપૂજનના પગલે અરવલ્લી જિલ્લામાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લામાં ઠેર ઠેર ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી હતી. ભગવાન રામની આરતી ઉતારવામાં આવી હતી. રામભક્તો ઉત્સાહમાં ઝુમી ઉઠ્યા હતા અરવલ્લી જિલ્લા પોલીસ તંત્રે જિલ્લામાં રામ મંદિર શિલાન્યાસને લઈને સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મોડાસા શહેરના ચાર રસ્તા ખાતે નગર પાલિકા ટાઉન હોલ નજીક મોટી સંખ્યામાં વીએચપી,ભાજપ અને રામભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને રામધૂન સાથે “જય શ્રી રામ“ ના ગગનભેદી નારાઓ અને ફટાકડા ફોડી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોડાસા ચાર રસ્તા પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દીધો હતો. ઉજવણીના પગલે વાહનચાલકોને કોઈ તકલીફ ન પડે તેની પોલીસે ખાસ તકેદારી રાખી હતી.હિન્દૂ યુવા વાહીની દ્વારા માલપુર ખાતે રામ મંદિર નિર્માણની ફટાકડાં ફોડી, મીઠાઈ ખવડાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.રામ મંદિર નિર્માણ પ્રારંભે હિન્દૂ યુવાવાહીની દ્વારા માલપુર હનુમાનજી મંદિર ખાતે રામધૂનનું આયોજન કરવામા આવ્યું હતું.સમગ્ર માલપુર નગર ભગવામય બની ગયું હતું.