રાજ્યમાં યોગ્ય સમયે સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવાનો નિર્ણય કરાશે: ગણપત વસાવા

ગાંધીનગર-

રાજયમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા અંગે સરકાર દ્વારા યોગ્ય સમયે નિર્ણય લેવાશે. એટલું જ નહીં રાજ્યની આંગણવાડીઓ બંધ હોવા છતાં તેના બાળકોને યુનિફોર્મ વિતરણ કરાયું છે તેમાં કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર કે કૌભાંડ થયું નથી તેવી સ્પષ્ટતા રાજ્યના મહિલા અને બાલ વિકાસ તેમજ વન મંત્રી ગણપત વસાવાએ કરી હતી.

રાજ્યના મહિલા અને બાળ વિકાસ તેમજ વન મંત્રી ગણપત વસાવાએ આજે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખૂબ ઝડપથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે. સતત ઘટાડો થતો રહેશે તો રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સમયે શૈક્ષણિક સંસ્થાઓને શરૂ કરવા અંગેનો નિર્ણય પણ કરવામાં આવશે. એટલું જ નહિ આંગણવાડીઓને પણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. આપણા રાજ્યમાં અન્ય રાજ્યો કરતા ઘણી બધી છૂટછાટો આપવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની વિચારણા કરી શકે છે અને તેના જ ભાગરૂપે આંગણવાડીના બાળકોને ડ્રેસ આપવામાં આવ્યા છે.

જ્યારે આંગણવાડીના બાળકોને ડ્રેસ વિતરણ કરવાના મુદ્દે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા ગઇકાલે રાજયભરની આંગણવાડીઓમાં ૧૪ લાખ કરતાં બાળકોને બે જોડી યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. આંગણવાડીઓ બંધ હોવા છતાં શા માટે ડ્રેસ વિતરણ કરવામાં આવ્યું? તે અંગે 36 કરોડના કૌભાંડની વાત પણ કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાને કારણે શૈક્ષણિક કાર્ય બંધ હોવા છતાં પણ આંગણવાડીના વર્કર બહેનોની કામગીરી ચાલુ છે. આંગણવાડીમાં ન આવતા હોય પણ બાળકોને ઘરે જઈને ભોજન પહોંચાડવામાં આવે છે. આંગણવાડીના બાળકોને ઘરે જઈને પણ નાનું મોટું શિક્ષણ કાર્ય થાય એ માટે deuce દ્વારા શૈક્ષણિક કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કે કૌભાંડ થયું નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણી પારદર્શક વહીવટ કરે છે. આ તમામ પ્રક્રિયા કોરોનાની મહામારી અગાઉ કરવામાં આવી હતી. વર્ષ 2018-19 ની ગ્રાન્ટ રકમમાંથી આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને બધી જ પ્રક્રિયા પારદર્શક વહીવટથી કરવામાં આવી છે. સચિવ કક્ષાની કમિટિઓ દ્વારા સૌથી નીચા ટેન્ડર હતા, તેમને આ કામગીરી સોંપવામાં આવી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution