સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવા 2078 ખેડૂતોને મેસેજ કર્યા : આવ્યા માત્ર 95

રાજકોટ-

આજથી રાજયના ૧૭૦ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રનો પ્રારંભ થયો છે. ટેકાના ભાવ મણના રૂ. ૧૦૫૫ જેટલો અથવા તેનાથી વધુ ભાવ ખુલ્લા બજારમાં મળતો હોવાથી ખેડૂતોએ પોતાના ભાવે મગફળી વેંચવામાં ઉત્સાહ બતાવ્યો નથી. નાગરીક પુરવઠા નિગમના વર્તુળોના જણાવ્યા મુજબ આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં રાજયમાં માત્ર ૯૫ ખેડૂતો મગફળી વેંચવા આવ્યા હતા. તેમાંથી ૫ ખેડૂતોનું મગફળી ગ્રેડીંગ વખતે નામંજુર થયેલ. બાકીના ૯૦ ખેડૂતોએ મગફળી વેચી હતી. જેના સરકારે કુલ ૮૨ લાખ ચુકવ્યા હતા. આજે મગફળી લાવવા માટે ૨૦૭૮ ખેડૂતોને મેસેજ કરવામાં આવેલ તેમાંથી માત્ર ૯૫ ખેડૂતો મગફળી લઇ આવ્યા હતા. ખૂલ્લા બજારમાં મગફળી ખેડૂતો સરળતાથી વેંચી શકે છે અને ટેકાના ભાવ જેટલા જ કે તેથી વધુ ભાવ મુજબ નાણાં તુરત મળી જાય છે. તેથી ખેડૂતો ખુલ્લા બજાર તરફ વળ્યા. નજીકના ભવિષ્યમાં ખુલ્લા બજારમાં મગફળીના ભાવે તૂટે તો ટેકાના ભાવે વેંચવા તરફ પ્રવાહ વળશે. ખાનગી અથવા ટેકાના ભાવે કોઇપણ રીતે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે સરકારનો હેતુ.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution