દેવગઢ બારિયા, તા.૧૮
દાહોદ જિલ્લાની નારીશક્તિના આર્થિક અભ્યુદય માટે અમલમાં મૂકવામાં આવેલી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ગુરુવારે દેવગઢ બારિયાની પીટીસી કોલેજ ખાતેથી ઇ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી આ યોજનાને લોન્ચ કરી હતી. દેવગઢ બારિયા ખાતે ઉપસ્થિત રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે કહ્યું કે, મહિલાઓના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કાર્યક્રમમાં સહભાગી મહિલાઓને સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, મહિલાઓ કોઈપણ મિલકત ખરીદે તો તેમના માટે સ્ટેમ્પ ડ્યુટીમાંથી પણ મુક્તિ આપી છે. મહિલાને શક્તિ સ્વરૂપા તરીકે અદકેરું સ્થાન આપ્યું છે. આપણી પ્રાચીન પરંપરા તરીકે રાધાકૃષ્ણ, સીતારામ, ઉમાશંકર, વિગેરેમાં દેવીઓ એટલે કે સ્ત્રીઓનું પ્રથમ સ્થાન છે અને તે પરંપરાને જાળવી મહિલાના સર્વાંગી વિકાસ માટે સરકાર અનેકવિધ યોજનાઓ લાવી છે.