અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવશયની એકાદશી! કે જેનો મહિમા વેદો અને પુરાણો એ અપાર કહ્યો છે. આ એકાદશીનું મહત્વ સૌ પ્રથમ ભગવાન બ્રહ્માએ નારદજીને કહ્યું તો મહાભારતમાં ભગવાન કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાવ્યું. આ એકાદશીથી ચાતુર્ એટલે ચાર અને માસ એટલે મહિના, આમ ચાતુર્માસ પ્રારંભ થાય છે. અહીં એ ચાર મહિનાઓની વાત થઈ રહી છે, જે દરમિયાન સૃષ્ટિના સંચાલક ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાં પ્રવેશી પાતાળલોકમાં રહે છે. ત્યાર બાદ કારતક માસના શુક્લ પક્ષની એકાદશી અર્થાંત પ્રબોધિની એકાદશી એ તેઓ જાગૃત થાય છે, એટલે તેને દેવઉઠી એકાદશી પણ કહેવાય છે. દેવશયની એકાદશીનું વ્રત અને ચાતુર્માસમાં વ્રત ઉપવાસની મહિમાથી વ્યક્તિ પાપ મુક્ત થઈ મોક્ષ પામી શકે છે. આ ચાતુર્માસ દરમિયાન સામાન્ય રીતે શુભ કે મંગળ કાર્યો કરવામાં આવતા નથી. માન્યતા પ્રમાણે ભગવાન વિષ્ણુની અનુપસ્થિતિમાં સંસારનું સંચાલન ભગવાન શિવને હસ્તક હોય છે. માટે ચાતુર્માસમાં મુખ્યત્વે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી તથા ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરવામાં આવે છે.
એકાદશી તેમજ ચાતુર્માસમાં કરવામાં આવેલી વ્રત, ઉપવાસ, તપ, ધ્યાન, પૂજા, મંત્ર જાપ, અન્નદાન, સ્વ-અધ્યયન તેમજ જ્ઞાન લેવા જેવી પ્રવૃતિઓને પુણ્યશાળી અને મોક્ષદાયી માનવામાં આવે છે. લોકો શ્રદ્ધાપૂર્વક વ્રત અને ઉપવાસ અનુસરે છે. તથા ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને ભગવાન મહાદેવની પૂજા, પંચામૃત વડે સ્નાન કરાવવું તેમજ મંદિરના દર્શન અને આરતીનો લાભ લેવાનો નિયમ જાળવે છે. આ ઉપરાંત ચાતુર્માસમાં તુલસી પૂજા, વડની પૂજા તેમજ જરૂરિયાતમંદને અન્નદાન આપવાનો વિશેષ મહિમા છે. ભારતીય સંસ્કૃતિમાં હંમેશા ધર્મ અને વિજ્ઞાન જાેડે રહ્યા છે. વિજ્ઞાન અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જાેવા જઈએ તો આ સમય દરમિયાન વર્ષાઋતુને પ્રભાવે વાતાવરણમાં ભેજ અને શાકભાજીમાં થતા જીવ જંતુઓને પરિણામે જમવામાં રીંગણા, ડુંગળી, લસણ તેમજ લીલા શાકભાજી નિષેધ કરી વ્રત, ઉપવાસ અને ખાસ કરીને સૂર્યાસ્ત પછી ન જમવાનો નિયમ પળાય છે. આ ઉપરાંત વરસાદી માહોલમાં નબળી પાચનક્રિયાને ધ્યાનમાં લઈને પણ ઉપવાસના નિયમ થકી સ્વાસ્થ્યનું સંતુલન જળવાઈ રહે એ હેતુ સિદ્ધ કરાય છે.
દેવશયની એકાદશી કે જ્યારથી ચાતુર્માસ પ્રારંભ થાય છે, એના પ્રારંભની કથા અલૌકિક છે! કથામાં વાત થઈ છે અસૂરરાજ બલિની. તે ભલે રાક્ષસોના રાજા છે પણ મહાન ભક્ત પ્રહલાદના પૌત્ર અને આઠ ચિરંજીવીમાંથી એક છે. દાદા પાસેથી મળેલી ભક્તિ અને કઠોર તપને પરિણામે તેમણે પૃથ્વીલોક અને સ્વર્ગલોક પર વિજય મેળવ્યો હતો. જ્યારે સ્વર્ગ હારવાનો સંતાપ કરતાં કરતાં ઇન્દ્રદેવ માતા અદિતી પાસે ગયા. ત્યારે દેવમાતા અદિતીએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. ફળરૂપે ભગવાન વિષ્ણુ તેમના ગર્ભથી વામન અવતાર લઈને પુત્ર રૂપે જન્મ્યા. અહીં નર્મદાકાંઠે ભૃગુક્ષેત્રમાં રાજા બલિ અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા. ત્યારે ત્યાં વામન અવતારમાં ભગવાન વિષ્ણુ પધાર્યા. નાનકડું કદ, માથે શિખા અને યજ્ઞોપવીત ધારણ કરેલા એ પ્રભાવી બાળકને જાેઈ રાજા બલિને આશ્ચર્ય થયો. વિધિવત સ્વાગત અને પૂજન અર્ચન કરી રાજાએ દાન માંગવા કહ્યું. વામને દાનમાં ફક્ત ત્રણ પગલાં જમીન માંગી. આવી વિચિત્ર માંગણી સાંભળી રાજાને આશ્ચર્ય થયો. પોતાના વચનનું પાલન કરતાં તેમણે દાન આપવા કળશ ભરીને સંકલ્પ વાળ્યો. સંકલ્પ વાળતાં જ વામન ભગવાનએ વિરાટ રૂપ લઈ પ્રથમ પગલામાં સમગ્ર પૃથ્વી આવરી લીધી. બીજા પગલે પૂરું સ્વર્ગલોક આવરી લીધું. ભગવાનની એ મહામાયા જાેઈ બલિ રાજ ગદગદ થયા. વામન રૂપી વિષ્ણુ ભગવાનને તેઓ ઓળખી ગયા. જ્યારે ભગવાનને ત્રીજું પગલું મૂકવા કોઈ સ્થળ ન રહ્યું ત્યારે બલિ રાજાએ ભગવાનને તેમના શ્રી ચરણ પોતાના મસ્તક પર રાખવા અરજ કરી. બલિરાજની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાને તેમને પાતાળલોકના રાજા બનાવ્યા અને કળિયુગ સુધી શાસન અચળ રહે એવા આશીર્વાદ આપ્યા. વિસ્મય તો ત્યારે થયું જ્યારે ભક્તે વરદાનમાં સ્વયં ભગવાનને જ માંગી લીધાં! બલિરાજએ ભગવાન વિષ્ણુને સાથે રહેવા વિનંતી કરી. ભક્તની ઈચ્છા પૂરી કરવા ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાં પ્રવેશી બલિ રાજા સાથે પાતાળલોકમાં ગયા. આ કથા ફક્ત એટલેથી વિરામ નથી પામતી. સૃષ્ટિનું સંતુલન જાળવી રાખવા ભગવાન વિષ્ણુ ચાર માસની અવધિ સુધી પાતાળલોકમાં રહી પ્રબોધિની એકાદશીએ ફરી પરત આવે છે એની કથા પણ જાેવા મળે છે.
ચાતુર્માસમાં ભલે ભગવાન વિષ્ણુ સંસાર માટે પ્રત્યક્ષ ના હોય! પરંતુ પરંતુ ‘વિશ્વાધારં ગગન સદૃશં’ એવા ભગવાન વિષ્ણુ સમસ્ત વિશ્વનો આધાર હોઈ ગગન સમાન વ્યાપ્ત સર્વ ભક્તોના હ્રદયમાં રહે છે.