લેખકઃ ડો.ચિરાયુ જયસ્વાલ |
મન પુનરાવર્તનના સિદ્ધાંતને અનુસરે છે. તમે તમારા જીવનમાં જે કાંઇ પુનરાવર્તિત કરી રહ્યા છો તેનાથી તમારા મનની રચના થઈ રહી છે. પુનરાવર્તનના માધ્યમથી પ્રવેશ કરેલી દરેક માહિતીનો મન સ્વીકાર કરી લે છે. બાળપણથી લઈને અત્યાર સુધી આપણે ચાલવાની, બોલવાની, ભાષા શીખવાની, સ્વિમિંગ કે ડ્રાઇવિંગ જેવી અનેક કળાઓ શીખવાની પ્રક્રિયામાં સફળ થયા છીએ તેનું મૂળ કારણ પુનરાવર્તનનો સિદ્ધાંત જ છે.
આ સિદ્ધાંતને દુનિયાના ટોપ લીડર્સ, બિઝનેસમેન, રાજકારણીઓ, ફિલ્મ નિર્દેશક, માર્કેટિંગ એક્સપર્ટસ વગેરે ખૂબ સારી રીતે જાણતા હોય છે. સોશિયલ મીડિયા, ડિજિટલ કે ટીવી એડ્સ, ન્યૂઝ ચેનલ વગેરેનો ઉપયોગ કરીને આ લોકો પોતાના નિશ્ચિત પ્રોડક્ટ્સ, સર્વિસિસ, વિચારો અને ભાવનાઓને વ્યક્તિના મનમાં પ્રવેશ કરાવીને પોતાના ઈરાદાઓમાં સફળતા મેળવતા હોય છે. અહિયાં મહત્વની વાત એ છે કે આ પ્રકારના પુનરાવર્તન દ્વારા અપાયેલી માહિતી ધીરે ધીરે મનને પૂર્ણ સત્ય લાગવા માંડે છે અને ત્યારબાદ વ્યક્તિ એ માની લીધેલા સત્યના આધાર ઉપર જીવન જીવવાની શરૂઆત કરે છે. મારા મત પ્રમાણે વર્તમાન જગતના મોટાભાગના વ્યક્તિઓ એક કઠપૂતળી જેવુ જીવન જીવી રહ્યા છે જેમાં દુનિયાના ગણ્યા ગાંઠ્યા વ્યક્તિઓ આ ખેલના માસ્ટર માઇન્ડ છે જે ડિજિટલ સીસ્ટમ અને મીડિયાને મેનેજ કરીને માનવમનને કાબૂમાં કરી રહ્યા છે. મનોવૈજ્ઞાનિક ભાષામાં આ પ્રક્રિયાને “હિપ્નોટિક પ્રોગ્રામિંગ” કહેવામાં આવે છે.
મારી પાસે આવતા કેસીસમાં ડિજિટલ એડિક્શનને લગતી ફરિયાદો દિવસે દિવસે વધતી જઈ રહી છે. જેમાં બાળકોથી લઈને વડીલો પણ સામેલ છે.મોબાઈલ ગેમ્સ,સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ, વેબ સીરિઝ, સ્ટેટસ, લાઇક અને કોમેન્ટસ જેવા બનાવટી જીવન પાછળ પાગલ બનીને વ્યક્તિઓ પોતાના વાસ્તવિક જીવનના સંબંધો, આનંદ અને પ્રતિભાને ગુમાવી રહ્યા હોય તેવા અનેક કેસીસ સમાજ માટે લાલ બત્તી સમાન છે.
તન્વીનો જન્મ એક શ્રીમંત પરિવારમાં થયો હતો. માતા – પિતા બંને જાેબ કરતાં હોવાથી તેઓ તન્વીના ઉછેરની જવાબદારી સારી રીતે નિભાવી શકતાં ન હતાં. જેથી તેમણે પોતાની દીકરીની કાળજી રાખવામાટે એક કેર ટેકરને નિયુક્ત કરી હતી. સિંગલ ચાઇલ્ડ હોવાને કારણે તન્વી ઘરમાં ખૂબ કંટાળાનો અને એકલતાનો અનુભવ કરતી હતી. માતા–પિતાના નિયંત્રણનો અભાવ અને એકલતાના સંજાેગોમાં તન્વી ક્યારે સોશિયલ મીડિયા અને વેબ સીરિઝના એડિક્શનનો શિકાર બની ગઈ તેનો ખ્યાલ જ ન આવ્યો.
સત્તર વર્ષની તન્વીના મનમાં ધીરે ધીરે કોરિયન મૂવી અને વેબ સિરિઝ જાેવાનો ક્રેઝ સતત વધી રહ્યો હતો. આ ક્રેઝના કારણે તેણે ઘરમાંથી બહાર જવાનું, પરિવાર અને મિત્રો સાથે હળવામળવાનું તેમજ સામાજિક પ્રસંગોમાં રસ લેવાનું સાવ બંધ કરી દીધું હતું. રાત્રિના મોડે સુધી જાગીને એપિસોડ જાેવા અને સવારે ખૂબ મોડા સુધી ઊંઘી રહેવાની આદતને કારણે સ્કૂલમાં પણ વારંવાર તેની રજાઓ પડતી હતી. જેના કારણે તે પરીક્ષામાં નાપાસ પણ થઈ ચૂકી હતી. જ્યારે માતા–પિતા તેને વેબ સીરિઝ જાેવાની કે મોડે સુધી જાગવાની ના પાડતા ત્યારે તન્વીને ખૂબ ગુસ્સો આવતો અને તેમની સામે અસભ્ય વર્તન કરીને વસ્તુઓની તોડફોડ કરતી હતી. ઘણી વખત તન્વીના આવા વ્યવહારથી તેના પિતાને પણ ગુસ્સો આવી જતો અને તે તન્વી ઉપર હાથ ઉગામી બેસતા હતા. ધીરે ધીરે આખા ઘરમાં એક તનાવ અને નકારાત્મક ઊર્જાનું વાતાવરણ ફેલાવા લાગ્યું હતું. હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે તન્વી પોતાની પહેરવા ઓઢવાની વસ્તુઓથી લઈને ખાવાની પદ્ધતિમાં દરેક જગ્યાએ કોરિયન સ્ટાઈલની કોપી કરવા લાગી.
ઘણીવાર તે કોરિયા જવાની વાતો પણ કરતી હતી. એટલું જ નહીં કાલ્પનિક રીતે તે કોઈ કોરિયન વ્યક્તિને પ્રેમી તરીકે પસંદ કરીને તેની સાથે જીવન જીવવાના સ્વપ્ન પણ જાેવા લાગી હતી. તન્વીના આવા વ્યવહારથી તેના માતા પિતા અંદરથી ડરી ગયા હતા. તેઓએ તન્વીને આમાંથી બહાર કાઢવાના અનેક પ્રયાસો કર્યા હતા પણ તેમા તેઓ નિષ્ફળ નીવડ્યા હતા. પોતાની એકની એક દીકરીના જીવનને એક યોગ્ય દિશા મળી શકે તે હેતુથી તેઓએ મારો સંપર્ક કર્યો હતો. તન્વી સાથે વાર્તાલાપ કરતાં મને ખ્યાલ આવ્યો હતો કે વેબ સીરિઝ અને ફિલ્મોની દુનિયાના વધુ પડતાં પુનરાવર્તનના કારણે તન્વીએ પોતાના મનની અંદર એક કાલ્પનિક દુનિયા બનાવી દીધી છે. જેના કારણે તે ચોવીસ કલાક એ જ વિચારો અને ભાવનાઓમાં ખોવાયેલી રહે છે. તેને વાસ્તવિક જીવનના વ્યક્તિઓ, ઘટનાઓ, જગ્યાઓ અને સંબંધોમાં આનંદનો અનુભવ નહોતો થઈ રહ્યો કારણ કે તે નેચરલ અને અનપ્લાન્ડ હતા. જ્યારે મૂવી કે સીરિઝમાં બતાવવામાં આવતા દ્રશ્યો, ઘટનાઓ, જગ્યાઓ, વ્યક્તિઓ અને સંબંધો ખૂબ પ્લાનિંગ સાથે, સંગીત સાથે અને ટેક્નૉલૉજીની મદદથી ડિઝાઇન કરેલા હોય છે. જેથી તે વ્યક્તિના વિચારો અને ભાવનાઓમાં ઝડપથી અસર કરે છે અને મનમાં આનંદનો અનુભવ કરાવે છે. આમ સરળતાથી અને વગર મહેનતે મળતા આનંદ પાછળ મન ભાગવા લાગે છે.
પેરેન્ટિંગ સેશન દરમિયાન તન્વીના માતા–પિતાને પોતાની કરેલી ભૂલો પ્રત્યે અવગત કરાવવામાં આવ્યા અને તેનું પુનરાવર્તન ન થાય તેમજ હવે પછી શું કરવું તેની સમજણ આપવામાં આવી. હિપ્નોથેરપી અને કાઉન્સેલિંગના સેશન દરમિયાન તન્વીને રિલ લાઈફ અને રિયલ લાઈફ વચ્ચેનો ભેદ સમજાવવામાં આવ્યો. તેના મનની કાલ્પનિક દુનિયાને દૂર કરીને તેને વાસ્તવિક દુનિયામાં આગળ વધવા માટે રિપ્રોગ્રામિંગ ટેકનિકનો સહારો લેવામાં આવ્યો. ધીરે ધીરે તન્વીને પોતાની ભૂલો સમજાતી ગઈ અને તેણે પોતાની આદતોમાં બદલાવ લાવીને પોતાના અભ્યાસ અને પરિવારને પ્રધાન્યતા આપવાનું શરૂ કર્યું.