વડોદરા, તા.૩
કોરોના મહામારી બાદ હવે શહેર-જિલ્લામાં હાહાકાર મચાવી રહેલા મ્યુકોરમાઈકોસિસનો પ્રભાવ દિન-પ્રતિદિન ઘટતો જાય છે. અલબત્ત, દર્દીઓની સંખ્યામાં નહિવત્ ઘટાડો થઈ રહ્યો છે. આજે વિતેલા છેલ્લા ર૪ કલાકમાં સયાજી હોસ્પિટલમાં ૬ દર્દીઓ અને ગોત્રી હોસ્પિટલમાં નવા પાંચ દર્દીઓ નોંધાયા હતા. આ સાથે આજે નવા કુલ ૧૧ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે હાલ સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં કુલ ૩૨૩ દર્દીઓ દાખલ હોવાનં તબીબીસૂત્રોએ જણાવ્યું હતું.
હાલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પૈકી સયાજી હોસ્પિટલમાં તબીબો દ્વારા મેજર અને માઈનોર મળી ર૯ દર્દીઓ અને ગોત્રી હોસ્પિટલમાં ર૧ દર્દીઓ મળી કુલ પ૦ દર્દીઓના નાની મોટી સર્જરી કરી ફંગસ દૂર કરાઈ હતી. જ્યારે ૩૦ જેટલા દર્દીઓની બાયોપ્સી માટેના સેમ્પલો ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. આજે સારવાર દરમિયાન ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીનું મોત નીપજ્યું હતું, જ્યારે ૧૧ દર્દીઓની તબિયતમાં સુધારો થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.