પોળો ફોરેસ્ટમાં ફરવાની મજા જ કંઈક અલગ છે

લેખકઃ સુનિલ અંજારિયા


ઘણા વખતથી જવાની ઈચ્છા હતી તે આખરે પૂરી થઈ. અમે કાર દ્વારા હિંમતનગર, ઇડર થઈ પોળો ફોરેસ્ટ ગયાં.ઘરેથી નિરાંતે સવારે ૭.૩૦ના નીકળ્યાં. ક્યાંય હોલ્ટ વગર પોણા દસ આસપાસ ઇડર આવ્યું. ત્યાં દસ પંદર મિનિટ ચા,નાસ્તો કરી આગળ પ્રસ્થાન કર્યું. ૧૦.૪૦ વાગે પોળો ફોરેસ્ટનું પાર્કિંગ આવી ગયું. એટલે ૩ કલાકથી ઓછા સમયમાં મારાં રહેઠાણ અમદાવાદના બોપલથી પોળો પહોંચ્યાં.


તમને બીટ ગાર્ડ ગાઈડ તરીકે મળી શકે છે, ચાર્જ પર. જાે ખૂબ અંદર ટ્રેકિંગ કરવું હોય તો સારું રહે. પહેલાં તો ત્યાંથી અંદર પાંચેક કિલોમીટર ચાલવું પડતું, અમે એક રિક્ષા બાંધી. બેય બાજુ ઈડરિયા ગઢની ઊંચી, સીધી, પથરાળ ટેકરીઓ અને વચ્ચે વનરાજી. કેસૂડો ઠેકઠેકાણે પૂરબહારમાં ખીલેલો. તેની રતુમડી ઘટા દૂરથી ખૂબ આલ્હાદક દેખાતી હતી. ખાખરા અને અનેક જાણીતી અજાણી વનસ્પતિનાં ઊંચાં વૃક્ષો વચ્ચે થઈ રિક્ષા ચાલી. સહેજ આગળ ખળખળ વહેતી નાની નદી આવી.


અમદાવાદમાં બપોરે ૧૧ વાગે કેવું ધગધગતું હોય? અહીં તો ઠંડી લહેરો વાતી હતી. સહેજ આગળ પુરાણું, હાલમાંજ રીનોવેટ કરેલ જૈન મંદિર આવ્યું. નીચેથી અને થોડે ઉપર જઈ ત્યાંથી ફોટાઓ પણ પાડ્યા. સામે જ ચારેક ફૂટ ઊંચા ધોધની ધારાઓ જાેઈ, અવાજ આંખ બંધ કરી સાંભળ્યો અને તેમાં લીન થઈ ગયા. ફરીથી એ જંગલ અને ટેકરીઓ વચ્ચેથી વહેતી નદી પરથી હવે એકાંત રસ્તે રિક્ષામાં બેય બાજુ ઊંચી વનરાજી વચ્ચે પાકા રસ્તે થઈ પક્ષીઓના અવાજાે સાંભળતા ગયાં.


હરણી ડેમ. ત્યાં ઊંચા ઢાળ પર કેડીએ થઈ જવાનું છે. ચડી શકાય એવું છે. ત્યાંથી પચીસ પગથિયાં ચડી હરણી ડેમ જાેયો. ભરેલું તળાવ જાેયું. ડેમની પૂર્વ તરફ છલકાતું તળાવ અને પશ્ચિમ તરફ સામે ઊંચી, ઉનાળો શરૂ થયો તો પણ લીલીછંમ ટોચવાળી ટેકરીઓ, નીચે વૃક્ષો વચ્ચે કેડીઓ પરથી આવતાં સહેલાણીઓ જાેયાં. ડેમથી ઉતરી, થોડું ચાલી, નીચે ગયા જ્યાં ડેમમાંથી છોડેલું પાણી વહેતું હતું. પાણી એકદમ ઠંડુ હતું. તેમાં પગ બોળ્યા અને મેં તો બે ચાર ખોબા ભરી પીધું પણ ખરું. સાચું મિનરલ વોટર.


અહીં ઊંચી ટેકરીઓ અને વનરાજી વચ્ચે ઘેરાયેલી જગ્યા અને વહેતું પાણી હોઈ વાતાવરણ સરસ હતું. ફરી રિક્ષામાં બેસી ગયાં સાઈટ પર ,જ્યાં ગાર્ડન છે, કોઈ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ થયેલું તે પથ્થરના મંડપ સાથેનું પ્રાચીન મંદિર એક ગાર્ડનની અંદર છે પણ એન્ટ્રી રીનોવેશનને નામે છ મહિના કે વર્ષથી બંધ છે. બાજુમાં નાની જગ્યામાંથી દાખલ થઈ હું અને પુત્ર ટ્રેકિંગમાં ગયા. એકાદ કિલોમીટર આગળ તારની વાડ આવી ત્યાં સુધી એ ખાખરા, વડ, મહુડો, કેસુડો વગેરે વૃક્ષો વચ્ચે ચાલતા જઈ આવ્યા.ત્યાંથી પગ બોળીને જ જવાય એવી જગ્યાએ ગયા. વચ્ચે સિમેન્ટનો નાનો પુલ છે જેની ઉપરથી પાણી વહ્યા કરે છે એટલે અમુક ભાગમાં લીલ છે ત્યાં હળવેથી જવું પડે. સામે જાઓ એટલે બેસવા મોટા પથ્થરો, વચ્ચે વહેતું પાણી જ્યાં ઘણા લોકો પગ બોળી આનંદ માણતા હતા. કેટલાક લોકો ચટાઈઓ પાથરી બેઠેલા. સાથે લાવેલું કે અહીં નજીક લારીઓમાં મળતું ખાતા હતા. આમ તો બધા લારીઓ પાસે રાખેલી ડસ્ટ બીનમાં ફેંકતા હતા પણ કેટલીક પ્લાસ્ટિકની ચમચીઓ રખડતી જાેઈ.


એ વહેતાં ઝરણાં વચ્ચે પણ મોટા પથ્થરો પર લીલ જામી ગઈ હતી, કાંકરાઓ પર પગ મૂકી જવું પડે એમ હતું. ફરીથી રિક્ષા પકડી હવે ગયાં એક પ્રાચીન શિવ મંદિરના અવશેષો પર. કહે છે એ અવશેષો નવસો ઉપર વર્ષ જૂના છે. ત્યાં પણ પથ્થરનો મંડપ, ગણેશજી, અંદર શિવ પાર્વતી વગેરે છે, પથ્થરો પર હવે ભૂંસાઈ રહેલી કોતરણી છે. બપોરે તો મોટી અને જાડી પૂંછડીવાળી ખિસકોલી જાેવા મળી. એક મોટી બિલાડી, જે જંગલી બિલાડી હશે. કહે છે રાત્રે રીંછ વગેરે દેખાય છે.ત્યાં અવનવી પ્રાણીસૃષ્ટિ છે પણ નસીબમાં એ જાેવાનું ન હતું. અહીં અમારાં નક્કી કરેલ પાંચ સ્થળો પૂરાં થયાં એટલે રિક્ષા છોડી પાર્કિંગમાંથી ગાડી કાઢી સીધાં ઇડર. રસ્તે એક લોજ આવે છે. અમે ઇડર હાઇવે પર હોટેલમાં જમ્યાં. આગળ ઇડર હિંમતનગર હાઇવે પર કૃષ્ણા ટાઇલ્સ માંથી સિમેન્ટ, માટીનાં રંગીન કુંડાં લીધાં.


હિંમતનગરથી પ્રાંતિજ પાસે કથપુર ટોલ બુથ નજીક જામફળ, હવે તો પાકી તોતા કેરી અને મોટી અમેરિકન મકાઈ પણ મળતાં હતાં. ગાંધીનગર આવતાં મોટો, લાંબો ફ્લાયઓવર આવે છે જેની નીચેથી ન વળો તો સીધા નરોડા પહોંચો. આગળ ગયા તો સર્વિસ લેન થઈ ગિફ્ટ સિટીમાં નીકળો.રસ્તે કોઈ માલધારી ટી સ્ટોલની ખાટલે બેસી જાડી રબડી જેવી, મીઠી ચા પીધી અને હજી સૂરજ ઢળતો હતો પણ તડકો હતો ત્યાં ઘેર પણ આવી ગયાં. પોળો સાઈટ પર સરકારી ટુરિસ્ટ બંગલાઓ સરસ છે. થોડા સસ્તા ને સારા રિસોર્ટ પણ વિજયનગર અને પોળો વચ્ચે છે જાે રાત રહેવું હોય તો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution