વડોદરા, તા.૧૮
શહેર નજીક સેવાસી ગામના તળાવ નજીક અવાવરુ સ્થળેથી ગત રાત્રિના ૩૨ વર્ષીય યુવકની હત્યા કરી ત્યજી દેવાયેલી લાશ મળી આવ્યાના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રાથિમક તપાસમાં યુવકની હત્યા પાછળ પ્રેમસંબંધ હોઈ તેના મિત્રોએ જ મોતને ઘાટ ઉતાર્યો હોવાનું બહાર આવ્યું છે. આ લૂંટ વીથ મર્ડરનો ભેદ ઉકેલાતાં પોલીસ વિગતવાર માહિતી રજૂ કરનાર છે, ત્યારે બીજી તરફ મૃતકની માતા પણ બૂટલેગર હોવાનું કહેવાય છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, શહેર નજીક સેવાસી તળાવ નજીક એક અવાવરુ સ્થળેથી ગત રાત્રે ગોરવાના યુવકની હત્યા કરી ત્યજી દેવાયેલી લાશ મળી આવી હતી. જાે કે, મોડી રાત્રે મૃતકના પરિવારજનોએ ઓળખ છતી કરતાં તાલુકા પોલીસ મથકે આ બનાવમાં હત્યા વીથ લૂંટનો ગુનો દાખલ કરીને હત્યારાઓની શોધખોળ શરૂ કરી હતી. જાે કે, આ બનાવમાં મહત્ત્વની બાબત એ છે કે ઘરેથી કાર લઈને નીકળેલા યુવકની ઈનોવા કાર અને તેને પહેરેલી સોનાની ચેઈન, બે વીંટીઓ અને મોબાઈલ ફોન સહિત પર્સ નહીં મળી આવતાં લૂંટની કલમનો ઉમેરો કર્યો છે. આ લૂંટ વીજ મર્ડરની તપાસ કરતી પોલીસને ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે તેમજ અતુલની હત્યા તેના મિત્રોએ જ કરીને ઝાડીઓમાં ફેંકી દીધી હતી.
આ બનાવ સંદર્ભે રમેશભાઈ ઠાકોરે તાલુકા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો પુત્ર અતુલ ડ્રાઈવિંગનો વ્યવસાય કરતો હોઈ ગઈકાલે તે બપોરના સમયે ઘરેથી ઈનોવા કાર લઈને કામ માટે બહાર નીકળ્યો હતો. મોડા સમય સુધી અતુલ પરત ઘર નહીં આવતાં તેના પરિવારજનોએ તેના મોબાઈલ ફોન ઉપર સંપર્ક સાધ્યો હતો, પરંતુ તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ જણાતો હતો. જેથી ચિંતિત પરિવારજનોએ અતુલની શોધખોળ શરૂ કરી હતી. સગાંસંબંધીઓને ત્યાં તપાસ કરતાં અતુલની ભાળ મળી ન હતી. રાત્રિના લગભગ આઠ વાગે પરિવારજનોને જાણ થઈ કે સેવાસી ગામની સીમમાંથી એક લાશ મળી આવી છે, જેને સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવાઈ છે, જેથી પરિવારજનો તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા, જ્યાં એમ્બ્યુલન્સમાં મુકેલા મૃતદેહને જાેતાં અતુલ હોવાની ઓળખ પરિવારે કરી હતી. અતુલના મૃતદેહને જાેતાં તેના મોઢા અને શરીરના અન્ય ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હોવાનું જણાયું હતું તેમજ તેના માથામાં બોથડ પદાર્થ વડે હુમલો કરી લોહીલુહાણ કર્યો હોવાનું જણાયું હતું. આ સાથે અતુલે ગળામાં પહેરેલી સોનાની ચેઈન, હાથમાં પહેરેલી બે સોનાની વીંટી, મોબાઈલ ફોન અને પર્સમાં આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાનકાર્ડ સહિતના ડોકયુમેન્ટ પણ નહીં જણાતાં હત્યારાઓ લૂંટ કરી ગયા હોવા અંગે ફરિયાદમાં જણાવ્યું હતું. આ ગુનામાં તાલુકા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યા વીથ લૂંટનો ગુનો નોંધીને હત્યારાઓની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાનમાં હત્યા વીથ લૂંટના ગુનાની તપાસ કરતી પોલીસની પ્રાથમિક તપાસમાં ૩૨ વર્ષીય અતુલ ઠાકોરની હત્યા પાછળ પ્રેમસંબંધ હોવાનું અને આ હત્યા તેના મિત્રોએ જ કરી હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત અતુલ ઠાકોર મહિલા બૂટલેગરનો પુત્ર હોવાનું કહેવાય છે. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.