સુવાસ

દિનકરરાય સચિવાલયમાં ઉચ્ચ હોદ્દા પદ પર ફરજ બજાવતા હતાં. પગાર પણ હોદ્દા જેટલો જ ઉંચો અને ટેબલ નીચેની આવક પણ સારી એવી. એના ઘરે દર વખતે જે લારીવાળો કરિયાણું ઉતારવાં આવતો એના બદલે આ વખતે કોઈ બીજાે લારીવાળો આવ્યો; જે આની પહેલા ક્યારેય અહીં આવ્યો નહોતો. એની લારી જૂની અને ખખડી ગયેલી હતી. એનો દેહ પણ લારી જેવો જ થઈ ગયેલો. પણ એના ચહેરા પરનો સંતોષ ઊડીને આંખે વળગે એવો હતો.

એને બધો સામાન ખંતથી દિનકરરાય કે'તા ગયા ત્યાં મૂકી દીધો. સામાન ઉતરી ગયાં પછી દિનકરરાયે મજૂરીના પૈસા આપવા લારીવાળા તરફ પચાસની નોટ ધરી. પચાસની નોટ સામે જાેતાં એ બોલ્યો, “સા'બ, ચાલીહ સૂટાં આપો ને!” “આલે આ પચાસ! વધે એ તું રાખી લેજે.” દિનકરરાયે બાકી નીકળતાં દસ રૂપિયા ન લેવાની ઈચ્છા દેખાડી. પણ લારીવાળાએ વધારાના પૈસા લેવાની ના પાડતાં કહ્યું, “ના સા'બ, મારા હકના ચાલીહ જ થાય સે. એનાથી વધુ મારાથી નો લેવાય”

"દસ રૂપિયામાં શું થઈ જવાનું છે. હું પ્રેમથી આપું છું ને!”

"પણ સા'બ, એ મારા માટે તો અણહકના જ થાય. એ લીધા પછી હું ઉપરવાળાને હું જવાબ આપું ? તમે જ ક્યો! તમે તો મોટા સા'બ છો. તમે તો હધુંય જાણતા હસો. ભણ્યા પણ હસો, કે અણહકનું ન લેવાય.”

દિનકરરાય એનો જવાબ સાંભળીને આગળ કશું બોલી શક્યા નહીં. ઘરમાંથી છૂટાં ચાલીસ રૂપિયા લાવીને લારીવાળાને આપી દીધાં. લારીવાળાએ પૈસા લઇને ખિસ્સામાં નાંખ્યા. દિનકરરાય એના થીંગડાવાળા શર્ટ તરફ જાેતાં રહ્યાં. એકેએક થીંગડામાંથી નરી પ્રામાણિકતાની સુવાસ વછૂટતી હતી. એ લારી લઈને ત્યાંથી ચાલ્યો ગયો પણ એની પ્રામાણિકતાની સુવાસ દિનકરરાયના આખા શરીરમાં પંસી ગઈ. સુવાસથી અકળાઈ જઈને દિનકરરાયે પોતાનો કિંમતી કોટ કાઢીને ઘા કરી દીધો. પણ શરીરમાં ઊંડે ઊંડે પેસેલી અપ્રામાણિકતાની દુર્ગંધ એમને કોરી ખાવા લાગી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution