મનના મૌનમાં જ પ્રજ્ઞાનું પુષ્પ ખીલે છે

જ્યારે સજ્જનો બોલે છે ત્યારે એવો ભાસ થાય છે કે જાણે અત્તરની શીશીનું ઉદ્દઘાટન થયું અને દુર્જનો બોલે છે ત્યારે એવો આભાસ થાય છે કે જાણે દુર્ગંધ ભરેલી મોરીનું ઉદ્દઘાટન થયું.

મૌન સુજ્ઞ અને અજ્ઞ બંનેને રક્ષે છે.

स्वायत्तमेकान्तुगण विधात्रा विनिर्मित छदनमज्ञतायाः ।

विशेषतः सर्वविदा समाजे विभूषण मौनपण्डितानाम् ॥

અર્થાત્‌, બધી બાબતોનો જાણકાર પંડિત સમાજ એકઠો થયો હોય તેમાં અજ્ઞાનીઓને પોતાની અજ્ઞાનતાને ઢાંકવા માટે વિધાતાએ એક સંપૂર્ણ ગુણયુક્ત તદ્દન નિર્દોષ સાધન ખાસ બનાવી રાખ્યું છે. વળી આ સાધન કોઈની પાસે લેવા માંગવા જવું પડે તેવું નથી, પણ હંમેશાં તેમને સ્વધાની જ છે. ઉપરાંત આ સાધન તેઓ અજ્ઞાની છતાં પણ તેમને શોભાવનારું બને છે, તે છે મૌન.

મૌન વિશે શ્રી વિમલાબહેન ઠકારના વિચારો જાેઈએ ઃ માણસ જ્યારે આખો દિવસ વાણીની શક્તિનો દુરુપયોગ કરે છે, ત્યારે તે માણસ રાત્રે કે દિવસે એકાદ કલાક શાંત બેસીને મૌનને કિનારે આવી શકતો નથી, એટલે માણસે શબ્દવ્યાપારના વૈજ્ઞાનિક ઉપયોગ માટે પોતાની જાતને કેળવવી. હકિકતો જેવી છે તેવી જ તેને શબ્દોમાં મૂકવી તે મૌનનો પાયો છે. આપણે જાે અચોક્કસ શબ્દવ્યાપારની ટેવમાં ફસાઈએ તો આપણાથી અતિશયોક્તિ થવાની, આપણે નિવેદનની અતિશયતા અથવા ઓછપના આવિર્ભાવ કરવાના જ. આખરે તો તમે જેને જુુઠ્ઠાણું કે અસત્ય કહો છો તે બીજું કશું નથી, પરંતુ વાણી સાથેનો અવૈજ્ઞાનિક સંબંધ છે. શબ્દ એક વખત જ્યાં ચિત્તમાં જન્મ્યો કે તરત જ એ નાદના વસ્ત્રમાં વીંઝાય છે. અને પછી એ આકાશ અને એના સૂક્ષ્મ વિભાગોમાં તમારી અંદર અને તમારી આસપાસ પ્રસારિત થાય છે. જે ઘડીએ શબ્દ કે વિચાર, ચિત્તમાં જન્મ્યો. પછી એ તમે બીજાને કહો કે ન કહો. પણ એનો જન્મ થઇ ચૂક્યો અને તમારી પરિસ્થિતિ ઉપર એની રાસાયણિક અસર થઈ ચૂકી. જાે માણસને શબ્દવ્યાપારનું વ્યસન પડ્યું, જરૂરી અને બિનજરૂરી રીતે બોલવાની અને વાતો કરવાની ટેવ પડી. તો વાતોનો કદી જ અંત આવતો નથી, એટલે

માણસે વાણીનો સાચો ઉપયોગ કરતાં શીખવું જાેઈએ.’

ઘણી વ્યક્તિઓ લાંબા સમય સુધી વાણીના મૌનનો અભ્યાસ કરે છે, પરંતુ મનનું મૌન પાળવા પ્રયત્ન કરતા નથી. પરિણામે જેવી પ્રગતિ થવી જાેઈએ તેવી નથી થતી. અહીં પ્રશ્ન થાય કે આ મનનું મૌન પાળવું કઈ રીતે?

મનનું મૌન ધારણ કરવું ખૂબ મુશ્કેલ છે, અશક્ય નથી. પ્રથમ વાણીનું મૌન ધારણ કરી શાંત જગ્યાએ બેસી વિચારોને નિહાળવા જાેઈએ. અલિપ્ત ભાવે વિચારોને નિહાળવાથી મનનો બબડાટ સમજી શકાશે. મનના મૌનની શરૂઆત બે વિચારોની વચ્ચે રહેલા શૂન્યને જાેવાથી થશે. પ્રત્યેક વિચારના અંતે અને બીજા વિચારની શરૂઆતમાં સહેજ અંતર (જીॅટ્ઠષ્ઠી) હોય છે. આ અંતરનો ગાળો જેમ જેમ વધશે તેમ તેમ મનનું મૌન ઘનિષ્ઠ બનતું જશે. આ છે સાચું મૌન.આ મૌનમાં જ આપણને આપણાં દર્શન થશે.

મનનું મૌન પ્રાપ્ત કરવા તથાગતના આ વિચારો ઉપયોગી થઈ પડશે. 'મનના વ્યાપારોને વધારવા, મનને અતિવાચનના ભારથી લાદી દેવું, મનને અનેક અનાવશ્યક પ્રવૃત્તિઓમાં રત રાખવું, મનને સ્થૂલ મૂઢ દશામાં સુવાડી રાખવું આ બધાં મનાતીત સ્થિતિની યાત્રામાં આડશરૂપ છે. મનને કોઈ કોઈ વાર રજા આપી દો, તેની પર હળ ફેરવવાનું, રોપણી કરવાનું બંધ કરો, મનની ધરતીને નિજના ચૈતન્યવિલાસ પર છોડી મૂકો, તેનું વિશ્લેષણ, દમન, શમન, ઊધ્ર્વીકરણ કરવાનું મૂકી દો. તમે મનના કુશળ ખેડૂત બનો. એકવાર મનની પાર નીકળી જાઓ અને મહામૌનમાં પ્રવેશો. મનની દીવાલો તૂટી શકે છે, મન અમન થઈ શકે છે. જ્યાં મન મન રહેતું નથી એવી અવસ્થામાં સ્થિત થઈ શકાય છે. ચેતનાની નીરવતા, મૌનને મન સાથે કશી લેવા દેવા નથી. મન જાય છે ત્યારે મૌન ઊતરે છે. મૌન એ નરવું પરિણામ છે. નવો આયામ છે, નૂતન લોક છે!

મનના મૌનમાં જ પ્રજ્ઞાનું પુષ્પ ખીલે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution