અમદાવાદ-
ભાવનગર શહેરમાં વર્ષના અંતભાગમાં શિયાળો પકડ જમાવતો હોય તેમ આજે સવારે લઘુત્તમ તાપમાન ઘટીને 19.2 ડિગ્રી થયું હતું. એકંદરે 0.6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો જો કે આજે પવનની સરેરાશ ઝડપ ઘણી ઓછી એટલે કે માત્ર બે કિલોમીટર જેટલી હતી.
ભાવનગરમાં ગઇકાલે મહત્તમ તાપમાન ઘટીને 32.5 ડિગ્રી થયું હતું તેના પરિણામે દિવસે ગરમી થોડી ઘટી હતી જ્યારે બીજી બાજુ આજે સવારે સરેરાશ લઘુત્તમ તાપમાન 0.6 ડિગ્રી ઘટીને 19.2 ડિગ્રી થયું હતું. જ્યારે સવારે 8.30 વાગે ભેજનું પ્રમાણ 65 ટકા હતું સવારના ભાગે ઉત્તર પુર્વની દિશા સાથે બે કિમીની ઝડપે પવન ફુંકાતો હતો પણ ત્યારબાદ પવન શાંત થઇ ગયો હતો.
આજે વહેલી સવારે પાંચથી છ વાગ્યા વચ્ચે લઘુત્તમ તાપમાન 18.7 ડિગ્રી જેવું હતું જો કે ત્યારબાદ તાપમાન વધ્યું હતું આમ 31 ઓકટોબર બાદ તાપમાન સતત ઘટતું જ રહ્યું છે ત્યારે પવન ઉત્તર પુર્વ દિશાથી ફુંકાતો હોવાથી ઠંડી વધવાની શકયતા છે.
સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા મહુવામાં આજે સવારે 8.30 વાગે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ પારો ગગડ્યો છે. ટુંકમાં જો બીજી કોઇ નવા પ્રકારની સિસ્ટમ ઉભી ન થાય તો શિયાળાની પકડ મજબુત બનતી જાય તેવી પુરેપુરી શકયતા છે. આમ, જિલ્લામાં શિયાળો બરાબર પકડ જમાવી રહ્યો છે.