ઇસ્લામાબાદ,
પાકિસ્તાનના ઇસ્લામાબાદ શહેરમાં પ્રથમ હિન્દુ મંદિરની આધારશિલા રાખવામાં આવી છે. જાણવા મળ્યું છે કે આ મંદિરને બનાવવામાં 10 કરોડ પાકિસ્તાની રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ભગવાન કૃષ્ણના આ મંદિરને ઇસ્લામાબાદના H-9 વિસ્તારમાં 20 હજાર વર્ગફુટ એરિયામાં બનાવવામાં આવી રહ્યું છે. મંગળવારે પાકિસ્તાનના માનવાદિકારોના સંસદીય સચિવ લાલ ચંદ્ર માલ્હીએ આ મંદિરની આધારશિલા મુકી હતી.
આ દરમિયાન ત્યાં હાજર રહેલા લોકોને સંબોધિત કરતા માલ્હીએ જણાવ્યુ કે, વર્ષ 1947 પહેલા ઇસ્લામાબાદ અને તેની સાથે જોડાયેલા વિસ્તારમાં ઘણા હિન્દુ મંદિર હતા. તેમાં સૈદપુર ગામ અને રાવલ તળાવની પાસે સ્થિત મંદિર સામેલ છે. પરંતુ તેને એમ જ છોડી દેવામાં આવ્યા અને તેનો ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેમણે તે વાત પર દુખ વ્યક્ત કર્યું કે, ઇસ્લામાબાદમાં અલ્પસંખ્યકોના અંતિમ સંસ્કાર માટે જગ્યા ખુબ ઓછી છે.
ધાર્મિક બાબતના મંત્રી પીર નૂરૂલ હક કાદરીએ કહ્યુ કે, સરકાર આ મંદિરના નિર્માણમાં આવનાર 10 કરોડ રૂપિયાનો ખર્ચ ઉઠાવશે. તેમણે કહ્યુ કે, મંદિર માટે વિશેષ સહાયતા આપવાની અપીલ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને કરવામાં આવી છે. ઇસ્લામાબાદ હિન્દુ પંચાયતે આ મંદિરનું નામ શ્રીકૃષ્ણ મંદિર રાખ્યું છે. આ મંદિર માટે વર્ષ 2017માં જમીન આપવામાં આવી હતી.